ગુજરાત
News of Thursday, 31st October 2019

વરસાદથી થયેલ પાક નુકસાનનું ખેડૂતને વળતર ચૂકવાશે :રાજયના કૃષિપ્રધાન આરસી ફળદુ

રાજયના કૃષિપ્રધાન આરસી ફળદુની હૈયાધારણ : રાજ્ય સરકારે કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાનની સમીક્ષા કરી : બે તબક્કામાં સર્વે કરીને સહાય ચૂકવાશે

અમદાવાદ,તા. ૩૧ : વાવાઝોડા ક્યારના કારણે રાજ્યમાં દિવાળીના તહેવારોમાં ત્રણ દિવસ દરમ્યાન એકથી પાંચ ઇંચ સુધીનો વરસાદ સૌરાષ્ટ્ર સહિતના અનેક પંથકોમાં નોંધાયો હતો. જેના કારણે ખેડૂતોના ઊભા પાકને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચતાં ખેડૂતઆલમમાં ભારે ચિંતાની લાગણી પ્રસરી ગઇ હતી અને તાત્કાલિક વળતરની માંગણી ઉઠવા પામી હતી. જેને લઇને આજે રાજય સરકાર દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કૃષિવિભાગના અધિકારીઓ અને તંત્રના નિષ્ણાતો સાથે મહત્વની ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઇ હતી. જેમાં પાકના થયેલા નુકસાનની સમીક્ષા કરાઈ હતી અને નુકસાનનો સર્વે બે તબક્કામાં કરવાનું નક્કી કરાયું હતું. રાજય સરકારે વિવિધ જિલ્લા માટે વીમા કંપનીના ટોલ ફ્રી નંબર જાહેર કર્યા હતા. બીજીબાજુ, રાજયના કૃષિપ્રધાન આર.સી.ફળદુએ સર્વેની કામગીરી બાદ ખેડૂતોને તેમને થયેલા નુકસાનીનું યોગ્ય વળતર અને ભરપાઇ કરવાની હૈયાધારણ ઉચ્ચારી હતી.

           જેને પગલે ખેડૂતોમાં રાહતની લાગણી ફેલાઇ હતી. દરમ્યાન કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ પી.કે.પરમારે જણાવ્યું હતું કે, નુકસાનીનો બે તબક્કામાં સર્વે પ્રક્રિયા હાથ ધરાશે. જે ખેડૂતોએ પાકનો વીમો ઉતરાવ્યો છે તેઓ પાક નુકસાન અંગે ૭૨ કલાકમાં વીમા કંપનીઓને ટોલ ફ્રી નંબર પર ફરિયાદ કરવાની રહેશે. ખેડૂતો દ્વારા ફરિયાદ કરાયા બાદ વીમા કંપની અને રાજ્ય સરકારના કૃષિ વિભાગના અધિકારીઓ સાથે મળીને સર્વે કરીને નુકસાની સહાય ધારા ધોરણ મુજબ સર્વેના ૧૦ દિવસ બાદ ચૂકવશે.

અધિક મુખ્ય સચિવ પરમારે વધુમાં જણાવ્યું હતું કે, ૧૮ જિલ્લાના ૪૪ તાલુકામાં એકથી વધુ વરસાદ થયો છે. જેને પગલે ડાંગર, કપાસ અને મગફળીના પાકને નુકસાન થયું છે. ૪૪ તાલુકામાં વરસાદ થયો છે તેમાં સુરેન્દ્રનગરના ૭, ખેડાના ૫, ભરૂચ અને મોરબીના ૪-૪, અમદાવાદ, આણંદ અને નર્મદાના ૩-૩, અરવલ્લી, નવસારી, રાજકોટ અને વડોદરાના ૨-૨ તેમજ અમરેલી, છોટાઉદેપુર, ગાંધીનગર, જામનગર, જૂનાગઢ, કચ્છ અને વલસાડના એક એક તાલુકા સમાવિષ્ઠ છે. સર્વેની કામગીરી બાદ અસરગ્રસ્ત ખેડૂતોને વળતર ચૂકવવામાં આવશે.

વિમા કંપની : ટોલ ફ્રી નંબર

અમદાવાદ, તા. ૩૧

*   ખેડૂતોની આવક બે ગણી કરવાનું લક્ષ્ય

*   વીમા કંપની : રિલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સ કો. ટોલ ફ્રી નંબર : ૧૮૦૦ ૩૦૦ ૨૪૦૮૮ રાજકોટ, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ

*   વીમા કંપની : યુનિવર્સલ સોમ્પો જનરલ ઇન્સ્યોરન્સ કો. ટોલ ફ્રી નંબર : ૧૮૦૦ ૨૦૦ ૫૧૪૨

    અમરેલી, પંચમહાલ, ભરૂચ, મહેસાણા, ગાંધીનગર, નર્મદા

*   વીમા કંપની : ભારતી એક્સા જનરલ ઇન્સ્યોરન્સ કો.   ટોલ ફ્રી નંબર : ૧૮૦૦ ૧૦૩ ૭૭૧૨

જામનગર, મહીસાગર, દાહોદ, ગીર-સોમનાથ, બરોડા, છોટાઉદેપુર

*   વીમા કંપની : એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સ કો. ઓફ ઇન્ડિયા લી. ટોલ ફ્રી નંબર : ૧૮૦૦ ૧૧૬ ૫૧૫

    જૂનાગઢ, અમદાવાદ, બોટાદ, સાબરકાંઠા, કચ્છ

*   વીમા કંપની : યુનિવર્સલ સોમ્પો જનરલ ઇન્સ્યોરન્સ કો. ટોલ ફ્રી નંબર : ૧૮૦૦ ૨૦૦ ૫૧૪૨

    મોરબી, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, પાટણ, આણંદ

*   વીમા કંપની : રિલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સ કો. ટોલ ફ્રી નંબર : ૧૮૦૦ ૩૦૦ ૨૪૦૮૮

    દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ભાવનગર, અરવલ્લી, ખેડા

(10:05 pm IST)