ગુજરાત
News of Thursday, 31st October 2019

એકનો એક દિકરો સમીર બ્રેઇનડેડ થતા કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરાતા પ લોકોને નવું જીવન મળ્યુ

સુરત :સુરતની ડોનેટ લાઈફ સંસ્થા બ્રેઇન ડેડ વ્યક્તિઓના અંગદાન માટે તેમના પરિવારજનોને જાગૃત કરે છે અને અન્ય લોકોને નવજીવન બક્ષવાના વિચારો ફેલાવે છે. સુરતના હિન્દુ સુથાર સમાજના અલ્પેશ મિસ્ત્રી અને તેમના પરિવારે પોતાના એકના એક વ્હાલસોયા નવ વર્ષના પુત્ર સમીર બ્રેઈનડેડ થતા તેનાં કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન આપી માનવતાની મહેક ફેલાવી છે. પરિવારે સમાજને નવી દિશા બતાવી. બ્રેઇનડેડ સમીર અલ્પેશ મિસ્ત્રીના પરિવારને તેમના આ પવિત્ર કાર્ય થકી સમાજને ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે.

9 વર્ષનો બાળક સમીર મિસ્ત્રીને નવા વર્ષના દિવસે તબીબે બ્રેઈનડેડ જાહેર કર્યો હતો. ત્યારે તેના પરિવારે સમીરના કિડની અને લીવરનું દાન કર્યું હતું. આમ સમીર મિસ્ત્રી થકી 5 લોકોને નવી જિંદગી આપી. બીલીમોરામાં બેગનો વ્યવસાય કરનાર અલ્પેશ મિસ્ત્રી અને સોનલ મિસ્ત્રીને સંતાનમાં એકનો એક દીકરો સમીર હતો. ગત 21 ઓક્ટોબરના રોજ તે પિતાની દુકાન પાસે રમી રહ્યો હતો, ત્યારે પડી જવાથી તેના માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. તબીબે સમીરના મગજમાં લોહી જામી ગયું હોવાનું જણાવ્યું હતું. જેના બાદ આખરે 29 ઓક્ટોબરના રોજ સમીરને બ્રેઈનડેડ જાહેર કરાયો હતો.

આજકાલ લોકોમાં અંગદાન ની સમજ આવી ગઈ છે. મૃત્યુ બાદ લોકો બીજાને નવું જીવન આપવા માટે પોતાના અંગોનું દાન કરતા હોય છે. એટલું જ નહીં પરંતુ વ્યક્તિ જ્યારે જીવતા હોય ત્યારે જ પોતાનું શરીર દાન આપી દેવાનું નક્કી કરે છે. આવી ઘણી સંસ્થાઓ છે જે અંગદાન વિશેની જાગૃતિ માટે લોકોને સમજાવે છે. તમે લોકો પણ જાગૃત થઈ અંગદાન તરફ આગળ વધ્યા છે.

(5:29 pm IST)