અમદાવાદના વસ્ત્રાલમાં પ્રેમલગ્ન કરનાર યુવતીએ પતિના ઘરે જવાની ના કહેતા યુવકે ફોન કરીને ધમકી આપતા પોલીસ ફરિયાદ
અમદાવાદ: શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં પ્રેમલગ્ન કરનાર યુવકની યુવતી લગ્ન બાદ તેના પિતાના ઘરે રહેવા જતી રહી હતી. ત્યારબાદ યુવતીના માતાપિતાને યુવક ફોન કરી ધમકીઓ આપતો હોવાની ફરિયાદ રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
વસ્ત્રાલમાં રહેતી 23 વર્ષની યુવતીએ તેના જ વિસ્તારમાં રહેતા યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ યુવતી તેના માતાપિતાના ઘરે આવી ગઈ હતી. જેથી તેની પત્નીને મેળવવા હાઇકોર્ટમાં હેબિયર્સ કોપર્સ કરી હતી. યુવતીએ તેના પતિ સાથે જવાની ના પાડી દીધી હતી અને માતાપિતા સાથે રહેવા કહ્યું હતું. બેસતાં વર્ષના દિવસે સવારે યુવકે યુવતીની માતાને ફોન કરી તેની પત્ની સાથે વાત કરાવવાનું કહ્યું હતું પરંતુ ફોન પર વાત કરવાની ના પાડતા યુવકે તમને બધાને જોઈ લઈશ તેવી ધમકી આપી હતી. અવારનવાર યુવક આ રીતે ફોન કરી ધમકીઓ આપતો હોવાથી રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાઈ છે.