ગુજરાત
News of Thursday, 31st October 2019

બનાસકાંઠાના પાલનપુરમાં ભાઈબીજના અવસર પર 758 વર્ષ જૂની પરંપરા યથાવત ચાલી આવી: ભાઈઓ બહેન પ્રત્યેના પ્રેમને અશ્વદોડમાં શોર્યથી કરે છે રજૂ

પાલનપુર: શહેરમાં ભાઈ અને બહેન વચ્ચેના પવિત્ર પ્રેમના પર્વ એવા ભાઈ બીજના દિવસે બનાસકાંઠા જીલ્લાના મુડેઠા ગામમાં 758 વર્ષથી અશ્વદોડ યોજાય છે અને આ અશ્વદોડને નિહાળવા માટે દૂર દૂરથી હજારોની સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડે છે. આ પ્રસંગે દરબાર અને રાજપૂત સમાજના લોકો તેમની બહેન પ્રત્યેના પ્રેમને શૌર્યની ભાષામાં રજૂ કરે છે.

ડીસા તાલુકાના મુડેઠા ગામમાં દર વર્ષે ભાઈ બીજના દિવસે યોજાતી અશ્વદોડને નિહાળવા માટે માત્ર આસપાસના ગામના લોકો જ નહીં પરંતુ અમદાવાદ સુધીના લોકો પણ મુડેઠા ગામે ઉમટી પડે છે અને નાનકડા મુડેઠા ગામમાં માનવ કીડીયારું ઉભરાયું હોય તે માહોલ જોવા મળે છે. મુડેઠા ગામના લોકોનું કહેવું છે કે, હાલ રાઠોડ પરિવારના સભ્યો જે બખ્તર ધારણ કરે છે તે બખ્તર પણ સાડા સાતસો વર્ષ જૂનું છે અને આજે પણ રાઠોડ કુળમાં આ બખ્તર ધારણ કરનારને ખૂબ જ માનથી નવાજવામાં આવે છે.

(5:16 pm IST)