ગુજરાત
News of Thursday, 31st October 2019

નરેન્દ્રભાઇની ઉપસ્થિતિવાળી કેવડીયા કોલોની રાષ્ટ્રીયકક્ષાની ઇવેન્ટને સફળ બનાવવા કોને-કોને મહત્વની જવાબદારી સુપ્રત થયેલ? જાણવા જેવું

રાજકોટ, તા., ૩૧: ખુબ જ અગત્યની એવી દેશ લેવલની ઇવેન્ટ કે જેનું સીધુ સંચાલન વડાપ્રધાન કાર્યાલયથી કરવામાં આવેલ તેવી નર્મદા (કેવડીયા કોલોની) ખાતેની વડાપ્રધાનની ઉપસ્થિતિમાં યોજાયેલી ભવ્યાતીભવ્ય ઇવેન્ટઅને રાષ્ટ્રીય કક્ષાની એકતા પરેડ વિગેરે ઇવેન્ટ માટે ગુજરાત પોલીસે દિપોત્સવીની રજાઓ છતા સતત આ ઇવેન્ટ માટે કાર્યરત રહી હતી.

રાષ્ટ્રીય કક્ષાની એકતા પરેડની તૈયારીઓ ગાંધીનગર નજીકના ચિલોડા ખાતેના બીએસએફ હેડ કવાર્ટર ખાતે થઇ હતી. જે માટે ગુજરાત કેડરના બીએસએફ વડા જી.એસ.મલ્લીક અને તેમની ટીમે રાત-દિવસ જોયા વગર ફરજ બજાવી હતી. સમગ્ર સુરક્ષાનું સુકાન જેઓને સુપ્રત થયેલ તેવા ગુજરાતના આઇબી વડા મનોજ શશીધર પણ દિપોત્સવી તહેવારો છતા કેવડીયા અને ગાંધીનગર વચ્ચે સતત દોડતા રહી સુરક્ષાચક્રમાં કોઇ ચુક ન રહે તે માટે અથાગ જહેમત ઉઠાવ્યાનું સુત્રો જણાવે છે.

કેવડીયા ખાતેની ઇવેન્ટ અને રીઝર્વ બેન્કના ગર્વનર સહીત દેશ-વિદેશના મહાનુભાવોની ઉપસ્થિતિને ધ્યાને લઇ કોઇ પણ ઇવેન્ટમાં કોઇ કચાશ ન રહે તે માટેની જે વિવિધ જવાબદારીઓ સિનીયર આઇપીએસ અધિકારીઓને સુપ્રત કરેલી તેમાં રાજકોટ રેન્જના ડીઆઇજી સંદીપસિંહને પણ મહત્વની જવાબદારી સુપ્રત કરી હોવાથી તેમનો એક પગ પોતાની રેન્જમાં અને બીજો પગ કેવડીયા કોલોની ખાતે રહયો હતો.

વડાપ્રધાન સહીતના મહાનુભાવોના બંદોબસ્ત માટે ભુતકાળમાં નર્મદા કેવડીયા કોલોની ખાતે સર્વોચ્ચ વડા તથા સેન્ટ્રલ આઇબી દ્વારા તથા વડાપ્રધાનના બંદોબસ્તના સુકાન માટે નિષ્ણાંત મનાતા આઇપીએસ દ્વારા સર્ટીફાઇ કરાયેલા હોય રાજકોટના ડીસીપી મનોહરસિંહ જાડેજાને પણ દિપોત્સવી બંદોબસ્ત હોવા છતા કેવડીયા કોલોની ખાતે  વિશિષ્ટ જવાબદારી સુપ્રત થયાનું પણ ગાંધીનગરના સુત્રો જણાવે છે.

નર્મદા કેવડીયા કોલોની ખાતે ભાગ લેવા જનાર વડાપ્રધાન સહીતના મહાનુભાવો વડોદરા એરપોર્ટ પર થઇને જનાર હોવાથી  વડોદરાના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત ટીમની જવાબદારી પણ ખુબ જ વધી ગઇ હતી. સેન્ટ્રલ ઇનપુટ આધારે તેઓએ સમગ્ર શહેરમાં સુરક્ષાનો અદભુત બંદોબસ્ત સાથે શકમંદ સ્થળોની ચકાસણી કરી હીત. મહાનુભાવો માટે રહેઠાણ સહિતની  સુવિધાની જવાબદારી પણ વડોદરા પોલીસના શીરે હતી. આમ તો કેવડીયા કોલોનીના બંદોબસ્તમાં નાના-મોટા પોલીસ સ્ટાફે ખુબ જ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેની નોંધ લીધા વગર પણ ચાલે તેવું નથી.

(1:23 pm IST)