ગુજરાત
News of Thursday, 31st October 2019

રાજ્યમાં કમોસમી વરસાદથી ખેતીની બેહાલી વચ્ચે કૃષિ વિભાગે પીએમ ફસલ યોજના અંતર્ગત પાકના નુકશાનની અરજી મંગાવી

ખેડૂતોએ કિસાન કોલ સેન્ટર પર ફોન કરી આ મામલે વધુ માહિતી મેળવવાની રહેશે.

ગાંધીનગર : રાજ્યમાંકમોસમી વરસાદથી ખેતીના પાકને વ્યાપક નુકશાન થયું છે ખેડૂતોના પાકને ઉત્તર ગુજરાત,  મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં એકંદરે નુકશાની થઈ છે ત્યારે કૃષિ વિભાગે મહત્ત્વની જાહેરાત કરી છે. રાજ્યના કૃષિ વિભાગની જાહેરાત મુજબ જે ખેડૂતોએ બૅન્કમાંથી પાક ધિરાણ મેળવ્યું હોય તે તમામ ખેડૂતોને પાક વીમા યોજનાનો લાભ મળશે. કૃષિ વિભાગે પ્રધાનમંત્રી ફસલ યોજના અંતર્ગત ખેડૂતો પાસે પાક નુકશાની અંગે અરજીઓ મંગાવી છે.

 રાજ્યમાં ક્યાર વાવાઝોડાની અસર કારણે વરસાદી માહોલ સર્જાયો છે.અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતમાં ચોમાસા જેવો ધોધમાર વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 29 જિલ્લાનાં 137 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સરેરાશ 4.30 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે સૌથી વધુ 4.52 ઇંચ વરસાદ આણંદમાં પડ્યો છે. જે બાદ વઠવાણમાં 4.08 ઈંચ, લખતરમાં 2.92 ઇંચ વરસાદ નોંધાયો છે.
આ સાથે સાયલા, વાંકાનેર, ચુડા, ટંકારા, દેહગામ, નાંદોદ, બાયડ, છોટાઉદેપુર, અંકલેશ્વર, વાસો, ધંધુકામાં 2 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોનાં ઊભા પાકને નુકસાન થયું છે. ખેડૂતોનાં મગફળી, કપાસ અને તલના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. ત્યારે ખેડૂતોએ સરકાર સામે સર્વે કરી નુકસાન ભરપાઈ કરવાની માગ કરી હતી. હવે આ મામલે કૃષિ વિભાગે નુકશાનીની અરજી મંગાવી છે. ખેડૂતોએ કિસાન કોલ સેન્ટર પર ફોન કરી આ મામલે વધુ માહિતી મેળવવાની રહેશે.

(10:55 pm IST)