ગુજરાત
News of Thursday, 31st October 2019

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન આયોજિત ભડિયાદમાં ઐતિહાસીક સબરસતા સંમેલન યોજાયું

મહાત્મા ગાંધીની સાર્ધ શતાબ્દી પ્રસંગે સામાજિક સંવાદિતાની ચેતના પ્રગટાવતુ સંમેલન, અનેક મહાનુભાવો, પ્રબુદ્ધ વિદ્વાન વિવેચકોની ઉપસ્થિતિ

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા )  વિરમગામ: અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં આવેલું ભડિયાદ ગામ પીર મહેમુદશાહ બુખારી દરગાહ શરીફ માટે સમગ્ર રાજ્યમાં ભડીયાદ ગામ ખૂબ જ પ્રખ્યાત છે. દર વર્ષે પગપાળા ચાલીને ગુજરાતભરના અનેક શ્રદ્ધાળુઓ ભડીયાદ પીરની દરગાહ શરીફ ખાતે ઉમટી પડે છે. ભડીયાદથી ચાર કિલોમીટરના અંતરે ધોલેરા (પ્રાચીન બંદર) આવેલું છે. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૪૪ મી જન્મ જયંતીની પૂર્વ સંધ્યાએ ભડિયાદ ખાતે ઐતિહાસીક સબરસતા સંમેલન યોજાયું હતું.

           રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સાર્ધ શતાબ્દીની ઉજવણી પ્રસંગે સરદારની સબરસતાને અંજલિ આપવા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મહાત્મા ગાંધીજીએ દાંડીના દરિયા કિનારેથી ચપટી મીઠું ઉપાડીને બ્રિટિશ સામ્રાજ્યના પાયા હચમચાવી નાંખ્યા હતા.  મીઠું "સબરસ" કહેવાય છે. આ સબરસ  સત્યાગ્રહના પ્રણેતા સરદાર વલ્લભભાઈ પટેલ જેલ - મહેલમાં હોવા છતાં દાંડીકૂચ સફળ થઈ. સબરસતામાંથી કેવી રીતે "સમરસતા" પ્રગટાવી શકાય તેનો પ્રથમ પ્રયોગ લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે ૧૯૨૧માં પીર મહેમુદશાહ બુખારીના ઉર્સ પ્રસંગે ભડિયાદમાં કર્યો હતો.

                   ધંધુકા તાલુકા રાજકીય પરિષદના અધ્યક્ષ સ્થાને સરદાર વલ્લભભાઈ પટેલે "બિરાદરી  ધર્મ" પર ઐતિહાસીક પ્રવચન આપ્યું હતું. મહાત્મા ગાંધીની ૧૫૦મી સાર્ધ શતાબ્દી - જન્મ જયંતીએ સબરસતા સંમેલનમાં ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સંજય પ્રસાદ ચૂંટણી કમિશનર, ધારાસભ્ય રાજેશભાઇ ગોહિલ, બાવામીયા સુમરા મુંજાવર પીર મેહમુદશાહ દરગાહ, પ્રબુદ્ધ વિવેચક ઇતિહાસકાર ડોક્ટર રિઝવાન કાદરી, સરદાર વલ્લભભાઈ પટેલ, ઇન્દુચાચા યાજ્ઞિક, મનુભા ચુડાસમા (બાપુ), ગુલામરસુલ કુરેશી ડો પોપટલાલ, આણંદજી વાલા સહીત  સત્યાગ્રહીઓના વંશજો, મુનિ શ્રી સંત બાલજીના અનુયાયીઓની વિશાળ ઉપસ્થિતિમાં ભવ્ય સમરસતા સંમેલન યોજાયું હતું. દેશ, કાળ, ભાષા કે સંસ્કૃતિના કશા ભેદભાવ વગર દીવે દીવો પ્રગટે... તેમ સામાજિક સંવાદિતાની ચેતના પ્રગટાવતુ સમરસતા સંમેલન યોજાયું હતું.

(10:10 pm IST)