ગુજરાત
News of Wednesday, 31st October 2018

આદિવાસીઓની લડાઇ અને પ્રશ્નોને નેશનલ લેવલે લઇ જઇને ન્યાય મળે અને નર્મદાના પાણીનો સાચો ઉપયોગ થાય તે માટે અમે અેકત્ર થયાઃ આદિવાસીઓને ન્યાય મળે તે માટે ગુજરાતના પૂર્વ મુખ્‍યમંત્રી સુરેશ મહેતા રાજપીપળા દોડી ગયા

Photo: EX CM Suresh Mehta

રાજપીપળાઃ આજે ૩૧ ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીના રાષ્‍ટ્રર્પણ કાર્યક્રમ વખતે વિરોધ થવાના ભયથી સરકારે પૂરતો પોલીસ બંદોબસ્ત મુકી દીધો હતો અને તે ઉપરાંત આદિવાસીઓને સમર્થન આપનાર અેક્ટિવિસ્ટસને પણ ડિટેઇન કરીને ઘણાને અજ્ઞાત સ્‍થળે તો ઘણાને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા.

આદિવાસીઓને થયેલા અન્યાય અને તેમને સમર્થન આપવા રાજ્યના પૂર્વ મુખ્‍યમંત્રી સુરેશ મહેતા રાજપીપળા પોલીસ હેડકવાટર્સ આવી પહોંચ્યા હતા. અને તેમની સાથે દેડિયાપાડાના ધારાસભ્ય અને ભારતીય ટ્રાઇબલ પાર્ટીના નેતા મહેશભાઇ વસાવા પણ આ રાજપીપળા પોલીસ હેડકવાટર્સ આવી પહોંચ્યા હતા.

પૂર્વ મુખ્‍યમંત્રી સુરેશ મહેતા આદિવાસીઓના સમર્થનમાં આવ્યા અને સેલમાં રાખેલા લોકોને મળ્યા હતા અને અન્ય અેક્ટિવિસ્ટ્સ અને સામાજિક કાર્યકરો સાથે ચર્ચા કરી હતી. આ ચર્ચામાં સાથ રહેલા અેક્ટિવિસ્ટ દેવ દેસાઇઅે જણાવ્યું કે, અમે અહીંયા ડિટેઇન કરીને રાજપીપળા પોલીસ હેડ કવાટર્સ લાવવામાં આવ્યા છે તેમના સમર્થનમાં આવ્યા છીઅે.

પૂર્વ મુખ્‍યમંત્રી સુરેશ મહેતાઅે જણાવ્યું કે, અમે અહીંયા આદિવાસીઓ સાથે ઉભા રહેવા આવ્યા છીઅે અને તેમને આગળ ટેકો કઇ રીતે કરવો, આદિવાસીઓને લડાઇ અને પ્રશ્નોને નેશનલ લેવલે લઇ જઇ ન્યાય મળે અે માટે અને નર્મદાના પાણીનો સાચો ઉપયોગ થાય અે માટે ભેગા થયા છીઅે.

આ ઉપરાંત તેમણે સૌરાષ્‍ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પાણી પહોંચે અે માટે પણ સામાજિક કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી હતી.

અમદાવાદથી પૂર્વ મંત્રી પ્રવીણસિંહ જાડેજા, અેક્ટિવિસ્‍ટ દેવ દેસાઇ અને ગોવિંદભાઇ જાદવ પણ મુખ્‍યમંત્રી સાથે રાજપીપળા પોલીસ હેડકવાટર્સ આવી પહોંચ્યા હતા. હાલ રાજપીપળા હેડકવાટર્સમૉ ૨૪ જેટલા અેક્ટિવિસ્ટને ડિટેઇન કરીને રાખ્યા છે અને નર્મદા જિલ્લામાં ૧૦૦ જેટલા અેક્ટિવિસ્ટને ડિટેઇન કરવામાં આવ્યા છે.

(6:09 pm IST)