ગુજરાત
News of Saturday, 31st July 2021

વલસાડ જીલ્લાના કપરાડા તાલુકાના સિલધા ગામના લોકો ડુંગરોની હારમાળાઓથી ઘેરાયેલ વિસ્‍તારના 2 ફળિયામાં 100થી વધુ પરિવારો ચોમાસામાં દરરોજ લડે છે મોત સામે જંગ

જીવના જોખમે નદીઓ પાર કરવી પડે છેઃ કોઝ-વે કે બ્રિજ ન હોવાથી મુશ્‍કેલી

વલસાડ: ગુજરાત સરકારની વિકાસ ગાથાનું એક મોડેલ ગામ જ્યાં વિકાસ માત્ર કાગળ પર છે અને લોકો હજી પણ જોખમી અને વિકટ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે અને વિકાસની રાહ જોઈ રહ્યાં છે. આઝાદીથી વિકાસથી વંચિત રહેલા વલસાડ જિલ્લાના કપરાડાનું સિલધા ગામના લોકો હાડમારીભર્યું જીવન જીવવા મજબૂર બન્યા છે.

ગુજરાત સરકારની વિકાસના કામોની વાત કરીએ તો, 25 વર્ષથી રાજ્યમાં ભાજપ સરકાર છે. અનેક શહેરોમાં વિકાસના કામો કરી ગુજરાતને વિકાસ મોડેલ તરફ લઈ જવાની જે વાત છે એની ગતિ હાલ ગામડાઓની પરિસ્થિતિને જોઈ અટકી ગઈ હોય એમ લાગી રહ્યું છે. રાજ્યના છેવાડે આવેલ બહુલ આદિવાસી વિસ્તાર ધરાવતા દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાનું સિલધા ગામ આવેલું છે. વલસાડથી 70 કિમી દૂર ડુંગરોની હારમાળાઓથી ઘેરાયેલા આ ગામમાં 2 ફળિયાના 100 થી વધુ ઘરોના પરિવારો ચોમાસામાં મોતની સામે રોજ લડતા આવ્યા છે.

આજથી નહિ, આઝાદી મળી તે પહેલાથી અનેક સરકાર આવી અને ગઈ, વિકાસની વાતો થઈ, પરંતુ આ ગામના લોકોએ માત્ર સપના સિવાય કશું જોયું જ નથી. સિલધા ગામના બે ફળિયાના 100 વધુ પરિવારો ચોમાસાના ચાર મહિના જીવના જોખમે જીવવા પર મજબૂર બને છે. નાના બાળકો હોય, યુવાન હોય કે વૃદ્ધ, તેઓએ જીવન જોખમે નદી ઓળંગવી પડતી હોય છે. માણસ નહિ, પરંતુ પશુઓએ પણ આ નદીના પાણીમાંથી પ્રસાર થવું પડે છે.

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના સિલધા ગામની જ્યાં સેન્ડરપડા અને પટેલ ફળિયા આ બંને ફળિયામાં 100 થી વધુ ઘરો છે. જેઓ દર વર્ષે ચોમાસામાં નદીમાંથી ઉતરી સિલધા ગામમાં આવવું પડે છે. અનાજ લેવું હોય, હોસ્પિટલમાં જવું હોય કે બાળકોને શાળાએ જવું હોય કે પછી શહેર તરફ મજૂરી કામ અર્થે આવવું હોય તો તેઓએ નદી ઓળંગવી પડે છે. જીવના જોખમે જો નદીમાં પાણી હોય તો લોકોએ પાણી ઓસરવાની રાહ જોવી પડતી હોય છે. આ ગામના લોકો 4 મહિના પોતાના ઘરોમાં રહી ત્યાં જ ખેતી કરી જીવન ગુજારે છે. ત્યારે સેન્ડરપાડાના લોકોએ જાત મેહનતે લાકડાનો જોખમી પુલ બનાવ્યો છે. તેના પરથી તેઓ અવરજવર કરતા હોય છે. ત્યારે પટેલ ફળિયાના લોકોએ તો નદીમાંથી જ જવું પડે છે. આ બંન્ને જગ્યાએ નાના કોઝવે કે બ્રિજ ન હોવાના કારણે લોકોએ આ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વારંવાર સરકાર પાસે માંગ કરવા છતાં સરકાર દ્વારા ગામના આ પાયાનો પ્રશ્નોનો ઉકેલ આવ્યો નથી કે નર્સ કારણે ગામાના લોકોએ જીવના જોખમે 4 મહિના જીવવું પડે છે.

કપરાડાના સિલધા ગામમાં સેન્ડરપાડાના 50 થી વધુ પરિવાર તેમજ પટેલ ફળિયામાં 50 થી વધુ પરિવારના લોકોની એક જ માંગ છે કે અહીં બ્રિજ અથવા કોઝવે બને. જેથી તેઓની સમસ્યાઓનો અંત આવે. અહીં કપરાડામાં ભાજપના ધારાસભ્ય છે અને સરકાર પણ ભાજપની છે. તો દરખાસ્ત વહેલી મજૂર થાય એમ છે. ગામ લોકોની આ માંગ હવે ક્યારે પૂરી થશે એ જોવું રહ્યું. સ્થાનિક ધારાસભ્યથી લઈ તંત્રના ઉચ્ચ અધિકારીઓ સુધી લોકો રજુઆત કરી ચૂક્યા છે, ત્યારે હવે આ લોકોની વાત ક્યારે સંભળાય એની સૌ કોઈ રાહ જોઈ રહ્યું છે.

(4:57 pm IST)