ગાંધીનગર:કલોલ-છત્રાલ હાઇવે નજીક મોપેડ પર જઈ રહેલ શખ્સને ટ્રકે હડફેટે લેતા ગંભીર ઇજાથી મોત
ગાંધીનગર: જિલ્લાના હાઈવે માર્ગો ઉપર દીનપ્રતિદીન અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે આજે સવારના સમયે કલોલના છત્રાલ પાસે સર્જાયેલા અકસ્માતમાં ચાંદખેડાના આધેડનું મોત નીપજયું છે. આ ઘટના અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ચાંદખેડાની દુર્ગાચોક સોસાયટીમાં રહેતો યુવાન જીગ્નેશ રમેશભાઈ પરમાર નરોડામાં રહેતા નિલેશ સત્યેન્દ્રપ્રસાદ ભટ્ટ સાથે સીસીટીવી નાંખવાનું કામ કરે છે અને આજે સવારના સમયે જીગ્નેશભાઈ તેનું મોપેડ નંબર જીજે-૦૧-જેયુ-૯૭૯૫ લઈને નીલેશભાઈ સાથે મંડાલી ગામે સીસીટીવી નાંખવા માટે જઈ રહયા હતા.નીલેશભાઈ મોપેડની પાછળ બેઠા હતા તે દરમ્યાન છત્રાલ ડેનીસ કંપની નજીક પાછળથી આવતા ટ્રક નં.એમએચ-૧૮-બીએ-૭૮૬૩ના ચાલકે જીગ્નેશભાઈના મોપેડને અડફેટે લીધું હતું. જેમાં મોપેડની પાછળ બેઠેલા નીલેશભાઈ ટ્રકના ટાયર નીચે આવી ગયા હતા અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેના પગલે ટ્રકનો ચાલક ટ્રક ત્યાં જ મુકીને નાસી છુટયો હતો. આ ઘટના અંગે કોઈએ ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતાં એમ્બ્યુલન્સ સ્થળ ઉપર પહોંચી હતી અને તપાસ કરતાં નીલેશભાઈને મૃત જાહેર કર્યા હતા. ત્યારે જીગ્નેશભાઈને સારવાર માટે કલોલની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમની ફરીયાદના આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે.