ગુજરાત
News of Saturday, 31st July 2021

રૂપિયા ૧૩૦૦ કરોડના પ્રોજેકટ લાયનને પ્રાથમિક મંજૂરી

પ્રોજેકટ હેઠળ નેશનલ વાઇલ્ડ લાઇફ ડીસીઝ ડાયોગ્નોસ્ટીક સેન્ટર સ્થપાશે : ૫૦૦ વનમિત્રની ભરતી કરવામાં આવશે

અમદાવાદ તા. ૩૧ : કેન્દ્રીય પર્યાવરણ અને વન મંત્રાલયે રૂપિયા ૧૩૦૦ કરોડના પ્રોજેકટ લાયનને પ્રાથમિક મંજૂરી આપી દીધી છે. આ પ્રોજેકટ હેઠળ સિંહોના સંરક્ષણ અને તેમના માટેના પર્યાપ્ત ભોજન વધારવાની કાળજી લેવામાં આવશે. આ પ્રપોઝલ અંતિમ મંજૂરી માટે કેબીનેટને મોકલી અપાઇ છે. આ પ્રોજેકટ ૧૦ વર્ષના સમયગાળા માટેનો રહેશે. કેન્દ્રીય પર્યાવરણ અને વન મંત્રાલયના સૂત્રોએ કહ્યું કે, આ પ્રોજેકટનું સંચાલન નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરીટી (એનટીસીએ) હેઠળ રહેશે. ગુજરાતના કેટલાક અધિકારીઓ અને સિંહ અંગેના રાજ્યના નિષ્ણાંતોને પ્રોજેકટ લાયન માટે એનટીસીએમાં ડેપ્યુટ કરાશે.

સૂત્રોએ કહ્યું કે, આ પ્રોજેકટ હેઠળ એનટીસીએ સીંહો માટે શિકારનો વિસ્તાર વિકસાવશે અને દરિયાઇ પટ્ટી તેમજ અન્ય વિસ્તારોમાં સિંહોને રહેવા યોગ્ય વાતાવરણ બનાવશે. આવા વિસ્તારોમાં ભાવનગરનો ઉમઠ વિરડી, ગીર, ગીરનાર, મીતિયાળા, જેસ્સોર - હિપાવાડી, બાબરા વીરડી, હિંગોળગઢ અને રાજુલાથી જાફરાબાદની દરિયાઇ પટ્ટી વગેરે સામેલ છે.

પ્રોજેકટ હેઠળ સૌરાષ્ટ્રમાં નેશનલ વાઇલ્ડ લાઇફ ડીસીઝ ડાયોગ્નોસ્ટીક સેન્ટર બનાવવામાં આવશે. આ સેન્ટર સિંહોના રોગો પર ખાસ ધ્યાન આપશે અને કોઇ સિંહનું મૃત્યુ થાય ત્યારે તેના કારણો ચેક કરશે. આ ઉપરાંત સિંહોની સારવાર માટે એક ખાસ હોસ્પિટલ બનાવવામાં આવશે. પ્રોજેકટ લાયન હેઠળ જંગલમાં રહેલા ખુલ્લા કુવાઓને કવર કરવાનું અને કુવાની આજુબાજુ પારાપેટ વોલ બનાવવાનું કામ પણ કરાશે. સિંહોવાળા વિસ્તારોમાં સિંહોને પાણી પીવા માટે કૃત્રિમ તળાવો પણ બનાવવામાં આવશે.

આ પ્રોજેકટમાં ૫૦૦ વન મિત્રોની ભરતી કરવામાં આવશે. આ વન મિત્રો સિંહો બાબતે કોઇ પણ શંકાસ્પદ ગતિવિધિની વન વિભાગને જાણ કરશે અને તે ઉપરાંત જંગલમાં સિંહોની હિલચાલની પણ માહિતી આપશે. તેનાથી વિભાગની સિંહોની હિલચાલની લાઇવ માહિતીઓ મળતી રહેશે.

(10:14 am IST)