ગુજરાત
News of Friday, 31st July 2020

વડોદરાની મહિલાને ફોનમાં બિભત્સ ફોટા અને મેસેજ મોકલનાર શાપર-વેરાવળનો નિઝામ પકડાયો

મોબાઇલ ફોનમાં ફોટા મોકલી મહિલાઓ પાસે સામે બિભત્સ ફોટાની માંગણી કરતો'તો : રૂરલ એસઓજીના પીઆઇ એ.આર. ગોહિલની ટીમે દબોચી વડોદરા પોલીસને સોંપ્યો

રાજકોટ, તા.૩૧ : વડોદરાની મહિલાને મોબાઇલ ફોનમાં બિભત્સ ફોટા અને મેસેજ મોકલી અને મહિલા પાસેથી સામેથી બિભત્સ ફોટાની માંગણી કરનાર શાપર-વેરાવળના મુસ્લિમ શખ્સને રૂરલ એસઓજીની ટીમે ઝડપી લઇ વડોદરા પોલીસને હવાલો કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ વડોદરાની એક મહિલાના મોબાઇલ ફોનમાં અજાણ્યા શખ્સે બિભત્સ ફોટા અને મેસેજ મોકલ્યા હતાં અને આ મહિલાને પોતાના ફોનમાં બિભત્સ ફોટા મોકલવાનું કહેતા મહિલાના પતિએ મકરપુરા પોલીસ મથકમાં ફરીયાદ કરી હતી. આ ફરીયાદ અન્વયે વડોદરા પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ કરતા અજાણ્યા શખ્સનું લોકેશન શાપર-વેરાવળમાં મળતા રૂરલ પોલીસને જાણ કરતા રૂરલ એસ.ઓ.જી.ના પી.આઇ. એ.આર. ગોહિલ તથા પી.એસ.આઇ. એચ.ડી. હિગેરાજાએ તપાસ કરી વડોદરાની મહિલાને મોબાઇલ ફોનમાં બિભત્સ ફોટા અને મેસેજ મોકલનાર નિઝામ કાસમઅલી મન્સુરી રે. મૂળ રામદનગર (યુ.પી.) હાલ સર્વોદય સોસાયટી શાપર-વેરાવળને દબોચી લઇ વડોદરા પોલીસને જાણ કરી હતી.

પોલીસના જણાવ્યા મુજબ પકડાયેલ નિઝામમન્સુરી શાપર-વેરાવળમાં પાપડ બનાવવાના કારખાનામાં નોકરી કરે છે અને મોબાઇલ ફોનમાં ગમે તે નંબર લગાડયા બાદ સામેથી મહિલાનો અવાજ આવે તો તેના વોટસએપ ઉપર બિભત્સ ફોટા અને મેસેજ મોકલી બાદમાં આજ મહિલા પાસેથી બિભત્સ ફોટાની માગણી કરતો હતો. વડોદરા પોલીસની પૂછતાછમાં આ શખ્સના વધુ કારસ્તાન ખુલે તેવી વકી છે.

આ કાર્યવાહીમાં રૂરલ એસ.ઓ.જી.ના રૂરલ એસ.ઓ.જી.ના એ.એસ.આઇ. ઉપેન્દ્રસિંહ જાડેજા, પરવેઝભાઇ સમા, હેડ કો. જયવીરસિંહ રાણા, અમીતભાઇ કનેરીયા, ધર્મેન્દ્રભાઇ ચાવડા, હિતેષભાઇ અગ્રાવત, પો.કો. રણજીતભાઇ ધાંધલ તથા દિલીપસિંહ જાડેજા સહિતનો સ્ટાફ જોડાયો હતો.

(11:36 am IST)