ગુજરાત
News of Sunday, 31st May 2020

ગાંધીનગરમાં ડીપીએસ સ્કૂલ નજીક મર્સિડીઝ કાર તળાવમાં ખાબકી, અમદાવાદના યુવાનનું મોત : પત્નીની શોધખોળ

મૃતક આનંદ મોદીએ થૉડી સમય પહેલા પાલનપુર રહેતી યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા

ગાંધીનગર: ગાંધીનગર પાસે આવેલા કોબા સ્થિત ડીપીએસ સ્કૂલ નજીક આવેલા અંબાપુર ગામના તળાવમાં આજે રવિવારે સાંજના સમયે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રહેતા યુવાનની મર્સિડીઝ કાર અકસ્માતે તળાવમાં ખાબકી હતી. આ અકસ્માતમાં યુવાન મોતને ભેટ્યો છે, જ્યારે કારમાં તેની સાથે રહેલી પત્નીની શોધખોળ ચાલી રહી છે. મર્સીડિઝ કાર કેવી રીતે તળાવમાં ડૂબી ગઈ? હાલ પોલીસ તેની તપાસ કરી રહી છે.

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા જીવરાજનગર સોસાયટીમાં રહેતા 29 વર્ષના યુવાન આનંદ મોદીના થોડા સમય પહેલા પાલનપુર રહેતી યુવતી સાથે પ્રેમ લગ્ન થયા હતા. આનંદ મોદી તેની પત્ની સાથે પાલનપુરથી અમદાવાદ આવવા માટે આજે નીકળ્યો હતો. દંપતી મહારાષ્ટ્ર પાસિંગની મર્સિડીઝ કાર (MH-04-EQ-2400) લઈને અમદાવાદ તેમના ઘર તરફ જઈ રહ્યાં હતા, ત્યારે અડાલજ-કોબા હાઈવે પર અંબાપુર ગામ પાસેથી તેઓ પસાર થઈ રહ્યાં હતા. આ દરમિયાન અચાનક બમ્પ કૂદયા બાદ મર્સિડીઝ કાર સાથે દંપતી રોડની સાઈડમાં આવેલા તળાવમાં ગરકાવ થઈ ગયા હતા.

નજરે જોનાર લોકોએ પોલીસને જાણ કર્યા બાદ ફાયર વિભાગને જાણ કરાઈ હતી. જે બાદ ગાંધીનગર ફાયરની ટીમ ઘટના સ્થળ પર આવી હતી અને કારમાં સવાર યુવાનનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. પોલીસને તેના ખિસ્સામાંથી પાન કાર્ડ, ઈલેક્શન કાર્ડ અને ડ્રાઈવિંગ લાઈસન્સ મળી આવ્યું હતું. જેમાં મૃતકનું નામ આનંદ મોદી (29) (રહે. શાહીબાગ, અમદાવાદ) લખેલ હતું. પ્રત્યક્ષદર્શીઓએ કારમાં મહિલા પણ હોવાનું જણાવતા મહિલાની શોધખોળ આદરી હતી, પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો નહતો.

(11:51 pm IST)