ગુજરાત
News of Sunday, 31st May 2020

વડોદરામાં ડ્રગ્સ રેકેટમાં કોલેજની પૂર્વ વિદ્યાર્થીનીનું નામ પ્રકાશમાં આવ્યું

બે આરોપીની પુછપરછમાં યુવતીનું નામ સપાટી પર આવ્યું : કોલ ડીટેઇલના આધારે તપાસ જારી

 વડોદરા: શહેરમાં 47 લાખના ડ્રગ્સ રેકેટ મામલે બે આરોપીઓની ધરપકડ થઈ હતી જેમાંથી એક આરોપીએ પૂછપરછમાં મોટો ખુલાસો કર્યો છે. આ મામલે શહેરની જાણીતી યુનિ.ની એક પૂર્વ વિદ્યાર્થીનીની સંડોવણી સામે આવી છે.

47 લાખના ડ્રગ્સ રેકેટમાં બે આરોપીઓ પકડાયા હતાં. એક હતો પંકજ માંગુકિયા અને બીજો હતો મોરબીનો મિતુલ આદ્રોજા. એસઓજી પોલીસની પૂછપરછમાં ડ્રગ કેરિયર મિતુલ આદ્રોજાએ ખુલાસો કર્યો કે જાણીતી યુનિવર્સિટીની બીફાર્મની પૂર્વ વિદ્યાર્થીની વિદ્યાર્થીઓને ડ્રગ્સ વેચતી હતી. કોઈ મીડિયેટર પાસેથી બીફાર્મ કરી રહેલી યુવતી ડ્રગ્સ ખરીદતી હતી. પછી તે કોલેજિયનોને વેચતી હતી.

પોલીસના જણાવ્યાં મુજબ પંકજ પાસેથી મિતુલનું નામ ખુલ્યું હતું. મિતુલની પૂછપરછમાં જાણવા મળ્યું કે તે પંકજ પાસેથી મીડિયેટરના માધ્યમથી મેથામ્ફેટામાઈન ડ્રગ્સ લેતો હતો અને આ જ મીડિયેટરની મદદથી શહેરના પાણીગેટ વિસ્તારમાં રહેતી અને પારૂલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી યુવતી ડ્રગ્સ ખરીદતી હતી. જે કોલેજિયન યુવક-યુવતીઓને વેચતી હતી.

મળતી માહિતી મુજબ યુવતીએ આ વર્ષે જ બીફાર્મનો અભ્યાસ પૂરો કર્યો છે. પોલીસે મિતુલ, યુવતી અને મીડિયેટર વ્યક્તિના કોલ ડિટેલના આધારે તપાસ શરૂ કરી દીધી છે.

(11:58 am IST)