ગુજરાત
News of Thursday, 31st May 2018

એલજીમાંથી માસુમ બાળક રહસ્યમયરીતે લાપત્તા થયો

બાળકનું અપહરણ થયું હોવાની માતા-પિતાને શંકા : મણિનગર પોલીસે બાળકના અપહરણનો ગુનો દાખલ કરી તપાસ કરી : જો કે, હજુ સુધી બાળકની ભાળ મળી

અમદાવાદ,તા. ૩૧ : મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત મણિનગર વિસ્તારમાં આવેલી એલજી હોસ્પિટલમાં પાંચ દિવસ અગાઉ ગુમ થયેલ ૧ર વર્ષીય બાળકના મામલે આખરે મણિનગર પોલીસે આખરે અપહરણનો ગુનો દાખલ કર્યો છે. એલજી હોસ્પિટલમાં લાંભાનું એક દંપતી તેમના દોઢ વર્ષના પુત્રને સારવાર માટે લાવ્યું હતું, જેની દેખરેખ કરવા માટે તેમના અન્ય બે પુત્ર પણ સાથે આવ્યા હતા. તેમાંથી ૧૨ વર્ષનો રાહુલ નામનો બાળક રહસ્યમય સંજોગોમાં ગુમ થઇ જતાં ભારે ચકચાર મચી ગઇ હતી. રેલ્વે સ્ટેશન, કાંકરિયા વિસ્તાર સહિતના આસપાસના વિસ્તારો અને સગાવ્હાલા-મિત્રવર્તુળ કે પરિચિતોમાં શોધખોળ કરવા છતાં માતા-પિતાને ગુમ થયેલા સંતાનની કોઇ ભાળ નહી મળતાં તેઓ ચિંતામાં ગરકાવ બન્યા છે., બીજીબાજુ, બાળકના પિતાએ પોતાના સંતાનનું અપહરણ કરાયું હોવાની આશંકા વ્યકત કરી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, પાંચ દિવસ પહેલાં એક ગરીબ દંપતિનો ૧ર વર્ષનો પુત્ર રાહુલ ટિફિન આપવા માટે એલજી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ગયો હતો અને ત્યાંથી તે એકાએક ગાયબ થઇ ગયો હતો. એલજી હોસ્પિટલના પીડિયાટ્રિક યુનિટ-૧માં લાંભાના રહેવાસી દિનેશ શર્માનો દોઢ વર્ષનો પુત્ર આયુષ શર્મા સારવાર લઇ રહ્યો છે.  છેલ્લા ૧ર દિવસથી આ બાળકને હોસ્પિટલમાં દાખલ કરાયો હોઇ ગત તા.ર૭ મેના રોજ બપોરના ૧ર વાગ્યે તેનો ૧ર વર્ષનો ભાઇ રાહુલ સુપરિન્ટેન્ડેન્ટ ઓફિસ નજીકના બગીચામાં એક સ્વૈચ્છિક સંસ્થાને ભોજનનું ટિફિન આપવા ગયો હતો તે સમયથી તે અચાનક ગુમ થઇ ગયો હતો. રાહુલને શોધવા માટે તેનાં માતા-પિતા તેમજ સગાં-વહાલાંએ હોસ્પિટલ અને આસપાસના વિસ્તારમાં તપાસ કરી હતી, જોકે રાહુલ નહીં મળી આવતાં તેઓ મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે ગયા હતા. મણિનગર પોલીસે ફરિયાદ નોંધવા માટે આનાકાની કરીને તેઓને ધક્કા ખવડાવ્યા હતા. આ મામલે રાહુલના પિતા દિનેશ શર્મા કહે છે કે મણિનગર પોલીસ સ્ટેશનમાં એ જ દિને રાહુલના ગુમ થયા અંગેની ફરિયાદ લખાવવા ગયો હતો પરંતુ પોલીસે ફરિયાદ નોંધી ન હતી. પરંતુ હવે સમગ્ર મામલો ચગતાં મણિનગર પોલીસે આ કેસમાં આખરે અપહરણનો ગુનો દાખલ કર્યો છે. મણિનગર પોલીસે રાહુલના ગુમ થવાના મામલે હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ તપાસવા માટેની તજવીજ શરૂ કરી હતી પરંતુ ચોંકાવનારી વાત એ સામે આવી હતી કે, કોન્ટ્રાક્ટ પૂરો થયો હોવાથી સંકુલના સીસીટીવી પણ બંધ હતા, જેથી  પોલીસને તપાસમાં મુશ્કેલી પડી રહી છે.

(8:17 pm IST)