ગુજરાત
News of Thursday, 31st May 2018

બાળકોને ફરવા લઇ જવા બાબતે છૂટાછેડા થયેલા યુગલોએ કોર્ટના દરવાજા ખખડાવ્યા

રાજકોટના યુગલનો છે કેસ : મળવાના અધિકાર માટે કોર્ટ પહોંચ્યા મા-બાપ : અન્ય એક કિસ્સામાં સ્કૂલે એલસી આપવાની ના પાડી દીધી

અમદાવાદ તા. ૩૧ : ભયંકર ગરમી વચ્ચે ગુજરાત હાઈકોર્ટમાં એક અલગ જ મુદ્દાએ ગરમાવો પકડ્યો હતો. છૂટા થયેલા પતિ-પત્નીએ પોતાના બાળકોને વેકેશન પર લઈ જવા માટે કોર્ટના દરવાજા ખખડાવ્યા. કોઈ પોતાના બાળકોને દેશમાં તો કોઈ વિદેશમાં ફરવા લઈ જવા માગે છે. ત્યારે પોતાના બાળકોને મળવાનો હક મેળવવા માટે ડાઇવોર્સી યુગલો કોર્ટ પહોંચ્યા છે.

નિરાલી જોશી (૪૦) જેમને તેના પતિ દ્વારા તરછોડી મૂકવામાં આવ્યાં તેઓ પોતાની દીકરી (૧૪) અને દીકરા(૯)ને વેકેશનમાં લઈ જવા માગે છે. નિરાલી કહે છે કે, ઙ્કબાળકોને વેકેશન પર લઈ જવા માટે હાઈકોર્ટમાં અરજી કરી છે. બાળકોની કસ્ટડી તેમના પિતા પાસે છે.' આહળ કહ્યું કે 'લાંબા સમયથી મારા બાળકોને જોયાં નથી, તેમને વેકેશન પર લઈ જવા માગું છું અને તેમની સાથે કવોલિટી ટાઈમ વિતાવવા માગું છું. આ અરજીનો મારા પતિ દ્વારા વિરોધ કરવામાં આવ્ય છે. 'અમદાવાદમાં રહેતી નિરાલી અને હેમંતે વર્ષ ૨૦૦૦માં લગ્ન કર્યાં હતાં. પાંચ વર્ષ પહેલાં તેઓના છૂટાછેડા થયા હતા.'

અન્ય એક કેસમાં રાજકોટમાં રહેતા ૩૫ વર્ષીય સુરેશે હાઈકોર્ટમાં અરજી કરી છે, તેની પત્નીએ તેમના ૭ વર્ષના દીકરા વિવાનની કસ્ટડી પરત આપવાની ના પાડી દીધી છે. તેની પત્ની સિમરન જામનગરમાં રહે છે. સુરેશે કહ્યું કે, 'ગુજરાત હાઈકોર્ટમાં મેં અરજી કરી છે અને શકય હોય તેટલી જલદી કસ્ટડી આપવા કહ્યું છે. જો આ મામલે જલદી ચૂકાદો ના આવે તો વિવાનના અભ્યાસ પર અસર પડી શકે તેમ છે. શૈક્ષણિક વર્ષ શરુ થાય તે પહેલાં મારે તેને રાજકોટની શાળામાં દાખલ કરવાનો છે.'

અન્ય એક કેસમાં મૂળ દિલ્હીની અને અમદાવાદમાં રહેતી જોલી આહુજાને તેની ૬ વર્ષની દીકરીની કસ્ટડી મળી ગઈ છે. ત્યારે જોલી આહુજા પોતાની બાળકીને અમદાવાદથી દિલ્હીની સ્કૂલમાં ટ્રાન્સફર કરવા માગે છે. જો કે સ્કૂલ મેનેજમેન્ટે તેમની દીકરીનું લિવિંગ સર્ટિફિકેટ આપવાની ના પાડી દીધી છે. ત્યારે સ્કૂલને લિવિંગ સર્ટિફિકેટ આપવાના આદેશ આપવામાં આવે તે માટે તેમણે ફેમિલી કોર્ટમાં અરજી કરી છે.

હાઈકોર્ટના વકીલ એક. કે કરઠીયા કહે છે કે આ દિવસોમાં પોતાના બાળકોની કસ્ટડી માટે લડતાં દરરોજ ૨-૩ કપલના કેસ સામે આવે છે. આગામી શેક્ષણિક વર્ષ શરૂ થતું હોવાથી પણ બાળકોના એડમિશન વગેરે જેવા મુદ્દાઓની વચ્ચે બાળકોને મળવાના અધિકર માટે લડાઈ શરૂ થઈ રહી છે. એક કેસ તો એવો પણ સામે આવ્યો હતો જેમાં મહિલાએ બાળકોની સ્કૂલ ફી પતિ પાસેથી મેળવવા માટે કોર્ટમાં અપીલ કરી હતી. સ્કૂલ વેકેશન દરમિયાન આવા કેસમાં પણ વધારો થતો હોય છે.

પૂર્વ જજ જયોસબેનના યાજ્ઞિકનું કહેવું છે કે, 'બાળકોને દેશ-વિદેશ ફરવા લઈ જવા હોવાથી, તેમને નવી શાળામાં ભરતી કરવાના હોવાથી વેકેશન સમયગાળા દરમિયાન આવા કેસમાં વધારો થતો હોય છે. કોર્ટે એ ધ્યાનમાં રાખીને બાળકોના શ્રેષ્ઠ ફાયદા માટે ચુકાદો આપવો જોઈએ કે ખરાબ પતિ સારો પિતા બની શકે તેમ ખરાબ પત્ની પણ સારી માતા બની શકે. આ મામલે માતા-પિતાએ પણ સમજવું જોઈએ.'

(4:56 pm IST)