ગુજરાત
News of Tuesday, 31st March 2020

ગુજરાત : સ્વસ્થ થયેલાઓને થતા હોસ્પિટલથી રજા મળી

કોરોનાથી સ્વસ્થ થતાં લોકોની સંખ્યા વધી : અમદાવાદની પ્રથમ મહિલા કોરોનાગ્રસ્ત દર્દી હવે સ્વસ્થ

અમદાવાદ, તા.૩૦ : અમદાવાદ સહિત હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કુલ ૭૦ પોઝિટિવ કેસ નોંધાયા છે અને લોકોના મોત થઈ ચૂક્યા છે. જો કે, નકારાત્મક અને નિરાશાના માહોલ વચ્ચે ગુજરાત માટે કેટલાક રાહતના સમાચાર પણ આવી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં સાત લોકો કોરોના વાઇરસને મ્હાત આપી સ્વસ્થ થઈ ગયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવી છે. કોરોનાને પરાસ્ત કરી સ્વસ્થ થયેલા ચાર લોકોમાંથી બે વૃદ્ધ અને બે વિદેશ પ્રવાસ કરીને આવ્યા હતાજ્યારે બે લોકો વેન્ટીલેટર પર છે અને ૫૯ની હાલત સ્થિર છે. અમદાવાદમાં આજે વધુ બે દર્દીઓ કોરાના સકંજામાંથી બિલકુલ સ્વસ્થ થઈ જતા તેઓને એસવીપી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

         જેમાં ૬૨ વર્ષની મહિલા અને ૬૫ વર્ષના વૃદ્ધનો સમાવેશ થાય છે. જ્યારે ગઇકાલે તા.૨૯ માર્ચે અમદાવાદમાં કોરોના પોઝિટિવનો પ્રથમ કેસ બનેલી આંબાવાડીની યુવતી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જતાં એસવીપી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. યુવતી ફિનલેન્ડના પ્રવાસેથી આવ્યા પછી કોરોનાનો શિકાર બની હતી. શહેરમાં કોરોનાની બીમારીથી સાજી થનારી પણ તે પ્રથમ યુવતી છે. યુવતી ઘરે આવી ત્યારે ફ્લેટના રહીશોએ થાળી, તાળી, શંખ વગાડીને તેનું સ્વાગત કરી એક સાચું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જ્યારે લંડનથી આવેલી સુરતની ૨૧ વર્ષની યુવતી સ્વસ્થ થઈ ગઇકાલે રાત્રે પાર્લેપોઇન્ટ સ્થિત પોતાના ઘરે પહોંચી હતી. છેલ્લા ૧૦ દિવસથી સુરત સિવિલ હોસ્પિટલમાં તબીબોની ટીમ દ્વારા સારવાર કરવામાં આવી રહી હતી. દરમિયાન બે રિપોર્ટ નેગેટિવ આવતા તેને રજા આપવામાં આવી હતી. આમ, રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં ચાર વધુ લોકો કોરોનાને મ્હાત આપી મુકત થતાં તંત્ર અને નાગરિકોને એક નવું પ્રોત્સાહન અને પ્રેરણા મળી રહી છે.

(8:50 am IST)