ગુજરાત
News of Tuesday, 30th November 2021

ગુજરાતમાં શિયાળુ પાકની વાવણીમાં અઠવાડિયામાં ૨૫.૯૩% વધારો : કુલ ૬૫.૦૬%

સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ચણા અને ઘઉંનું વાવેતર : દક્ષિણમાં શેરડી અને ઉત્તર ગુજરાતમાં રાઇ નંબર વન : મધ્યમાં તમાકુની બોલબાલા

રાજકોટ તા. ૩૦ : રાજ્યમાં રવિ (શિયાળુ) પાકની વાવણી પૂર્ણતાના આરે છે. ગઇ તા. ૨૨ નવેમ્બર સુધીમાં રાજ્યમાં નોર્મલ વાવેતર વિસ્તારની દ્રષ્ટિએ ૩૯.૧૩ ટકા વાવણી થયેલ. તે અઠવાડિયામાં વધીને ગઇકાલે સાંજ સુધીની સ્થિતિએ ૬૫.૦૬ ટકા પહોંચ્યુ છે. એક જ અઠવાડિયામાં વાવેતરમાં ૨૫.૯૩ ટકા વધારો નોંધાયો છે.

સૌરાષ્ટ્રમાં અને આખા રાજ્યમાં સૌથી વધુ ચણાનું વાવેતર થયું છે તે હેકટરની દ્રષ્ટિએ ૬૫૧૩ થાય છે. બીજા ક્રમે ૪૦૧૯ હેકટર સાથે પિયત ઘઉં છે. બિનપિયત ઘઉંનું માત્ર ૨૩૮ હેકટરમાં વાવેતર થયું છે. જીરૂનું ૧૭૧૫ હેકટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. ડુંગળી ૪૬૨ હેકટરમાં અને રાઇ ૨૯૯૦ હેકટરમાં વાવવામાં આવી છે. ધાણા ૮૬૬ હેકટરમાં વાવવામાં આવ્યા છે.

સૌરાષ્ટ્રમાં ઘઉં - ચણાનું સૌથી વધુ વાવેતર છે. કચ્છમાં ૩૬૫ હેકટરમાં માત્ર રાઇ વાવવામાં આવી છે. બકાલા, ઘાસ સહિત કચ્છ જિલ્લાનું કુલ વાવેતર માત્ર ૭૮૫ હેકટરમાં જ થયું છે. મધ્ય ગુજરાતમાં ૫૭૨ હેકટરમાં તમાકુ તથા ૭૦૮ હેકટરમાં ચણા વાવવામાં આવ્યા છે. તમાકુનું મુખ્ય વાવતેર ખેડા અને આણંદ જિલ્લામાં છે. ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ ૨૨૫૮ હેકટરમાં રાઇ વાવવામાં આવી છે. જેમાં સૌથી વધુ ૧૬૩૩ હેકટરનું વાવેતર બનાસકાંઠા જિલ્લાનું છે. દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, તાપી, વલસાડ વગેરે જિલ્લાનો મુખ્ય શિયાળુ પાક શેરડી છે. દક્ષિણ ક્ષેત્રમાં ૧૨૨૫ હેકટરમાં શેરડીનું વાવેતર થયું છે.(૨૧.૧૮)

પાક     વાવેતર હેકટરમાં

ઘઉં          ૪૦૧૯

ચણા         ૬૫૧૩

શેરડી         ૧૨૨૫

જીરૂ          ૧૭૧૫

ડુંગળી        ૦૪૬૨

શેરડી         ૧૨૨૫

રાઇ          ૨૯૯૦

ધાણા         ૦૮૬૬

લસણ        ૦૧૭૨

(12:59 pm IST)