ગુજરાત
News of Tuesday, 30th November 2021

બપોરે જમીન ઉંઘી જતી મહિલાને માર મારીને કાઢી મૂકી

દીકરાને બદલે દીકરીને જન્મ આપતા પણ મહિલા પર વરસ્યા હતા સાસરિયા

અમદાવાદ તા. ૩૦ : વર્ષ ૨૦૧૬માં મહેસાણાના કડીના એક વ્યકિત સાથે લગ્ન કરનારી શાહીબાગની મહિલાએ રવિવાકે માધવપુરા પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસરિયાં સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તેણે બપોરે જમ્યા બાદ ઊંઘવા બદલ પરિવારના સભ્યોએ માર માર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો.

મહિલાએ જણાવ્યું હતું કે, ૧૭ જુલાઈ, ૨૦૧૬ના રોજ તેના લગ્ન થયા હતા અને બાદમાં તે કડીમાં સાસરિયાં સાથે રહેવા લાગી હતી. તેણે કહ્યું હતું કે, તેને બપોરે જમ્યા બાદ ઊંઘવાની આદત હતી, જે તેના પતિ તેમજ સાસરિયાંને પસંદ નહોતી.

'શરૂઆતથી જ તેઓ બપોર પછી મારી ઊંઘવાની ટેવનો વિરોધ કરતા હતા. હું સવારમાં વહેલી ઉઠતી હોવાથી, બપોર પછી હું મારી જાતને જાગૃત રાખી શકતી નહોતી', તેમ તેણે કહ્યું હતું. મહિલાએ કહ્યું હતું કે, તેના પતિ અને સાસરિયાંઓએ તેને જમ્યા બાદ ઊંઘવા માટે હેરાન કરવાનું શરૂ કરી દીધું હતું અને બાદમાં માર મારવા પણ લાગ્યા હતા.

જયારે પતિએ તેને પહેલીવાર માર માર્યો ત્યારે તેણે કડી પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી, પરંતુ બાદમાં તેમની વચ્ચે સમાધાન થયું હતું અને ફરીથી તે તેની સાથે રહેવા લાગી હતી. મહિલાએ કહ્યું હતું કે, જયારે તે પ્રેગ્નેન્ટ હતી ત્યારે પણ તેનો પતિ અને સાસરિયાં તેને મદદ કરતા નહોતા. આ સિવાય તેને તેના પિયર મોકલી દીધી હતી.

૧૮ સપ્ટેમ્બર, ૨૦૧૭માં તેણે દીકરીને જન્મ આપ્યો હતો, જે પતિ અને સાસરિયાંને ગમ્યું નહોતું. તેમણે મહિલાનું શોષણ કર્યું હતું અને દીકરાને જન્મ ન આપવા બદલ ફટકારી હતી, તેવો આક્ષેપ મહિલાએ લગાવ્યો હતો.

મહિલાએ કહ્યું હતું કે, ૭મી ફેબ્રુઆરીએ તેના પતિએ તેને છોડી દીધી હતી અને સમાજના આગેવાનોની દરમિયાનગીરી બાદ પણ તેણે તેને પરત લઈ જવાની આનાકાની કરી હતી. બાદમાં તેણે પોલીસનો સંપર્ક કર્યો હતો અને પતિ તેમજ સાસરિયાં સામે ઘરેલું હિંસાની ફરિયાદ નોંધાવી હતી.

(12:32 pm IST)