ગુજરાત
News of Monday, 30th November 2020

ચાંદખેડાના શ્યામ બંગ્લોમાં કોરોનાના 34 પોઝિટિવ કેસ: AMCના ચોપડે માત્ર 12 પોઝિટિવ કેસ દર્શાવ્યા

22 જેટલા વ્યક્તિઓએ ખાનગી લેબોરેટરી ગ્રીન ક્રોસ લેબમાં ટેસ્ટ કરાવ્યા: આંકડા છુપાવવાનો કોંગ્રેસના કોર્પોરેટરનો આરોપ

અમદાવાદમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે.બીજી તરફ આક્ષેપો થઇ રહ્યા છે કે તંત્ર કોરોનાના આંકડા છુપાવે છે. જ્યારે તંત્ર દ્વારા આ પ્રકારના આક્ષેપોને ફગાવવામાં આવી રહ્યા છે. ત્યારે ચાંદખેડાના કોર્પોરેટરે AMC પર મોટો આક્ષેપ કર્યો છે. ચાંદખેડાના કોર્પોરેટરે આક્ષેપ કર્યા છે કે AMC કોરોનાના કેસના સાચા આંકડા દર્શાવી રહી નથી. AMC Hide Corona Cases

અમદાવાદના કોંગ્રેસના કોર્પોરેટર રાજશ્રીબહેન કેસરીએ AMC પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે ચાંદખેડાના શ્યામ બંગ્લોમાં કોરોના વિસ્ફોટ થયો છે. શ્યામ બંગ્લોમાં કોરોનાના 34 પોઝિટિવ કેસ છે. ત્યારે AMCના ચોપડે માત્ર 12 પોઝિટિવ કેસ દર્શાવવામાં આવ્યા છે. 22 જેટલા વ્યક્તિઓએ ખાનગી લેબોરેટરી ગ્રીન ક્રોસ લેબમાં ટેસ્ટ કરાવ્યા છે પરંતુ લેબોરેટરી દ્વારા 22 કેસની માહિતી કોર્પોરેશનને આપી નથી અને કોર્પોરેશન દ્વારા જાણી જોઈ આ આંકડા મેળવવાની કાર્યવાહી કરી નથ

તેમના અગાઉ જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ કોર્પોરેશન પર આક્ષેપ કરતી ટ્વીટ કરી હતી. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યુ હતું કે, અમદાવાદમાં કોરોના સંક્ર્મણ વધી રહ્યું છે, મોતના આંકડાઓ સતત વધી રહ્યા છે, મારો આક્ષેપ છે કે કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ પોઝિટિવ કેસ અને મોતના આંકડા છુપાવે છે. સાહેબ શહેરની જનતાને મોતના મોઢામાં ન નાખો અને સાચું બોલો તેવી અપેક્ષા. આ ટ્વીટમાં તેમણે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ  પટેલ અને ડો.રાજીવ ગુપ્તાને ટેગ કર્યું હતુ.

 અત્રે ઉલ્લેખનીય છે કે AMC તથા રાજ્ય સરકાર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે કોરોનાની સ્થિતિ કાબૂમાં છે. પરંતુ વિપક્ષ દ્વારા તંત્ર પર કોરોનાને લઇને ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. વિપક્ષનો આરોપ છે કે સરકાર દ્વારા કોરોના સંક્રમિતોના આંકડા તથા મૃત્યુઆંકના સાચા આંકડા દર્શાવવામાં આવી રહ્યા નથી

(9:41 pm IST)