ગુજરાત
News of Monday, 30th November 2020

ફી નું ભૂત ફરી ધુણ્યું :ફી નહીં ભરનારા વિદ્યાર્થીને ઓનલાઇન નહીં ભણાવાય

સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશને છાનામાના કર્યો મોટો નિર્ણય

રાજકોટ : રાજ્ય સરકારે વિદ્યાર્થીઓને ચાલુ વર્ષે ફીમાં 25 ટકા માફી આપ્યા બાદ પણ વાલીઓ અને સંચાલકો વચ્ચે ફીના મુદ્દે ચાલતો વિવાદ શમવાનું નામ લેતો નથી. જેના પગલે 10મી ડિસેમ્બર સુધીમાં ફી નહીં ભરનારા વિદ્યાર્થીઓનું ઓનલાઇન એજ્યુકેશન બંધ કરવાનો નિર્ણય સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે લીધો છે.આ પરિપત્ર બાદ પણ વાલીઓ અને સ્કૂલ સંચાલકો વચ્ચે ફીના મુદ્દે હાલમાં ઘર્ષણ ચાલી રહ્યું છે અને સંખ્યાબંધ વાલીઓ ચાલુ વર્ષે નોકરી-ધંધામાં નુકસાનીના કારણે ફી ન ભરી શકતા સ્કૂલ સંચાલકો સાથે વિવાદની ઘટનાઓ બની રહી છે ત્યારે ફરી એકવખત ખાનગી સ્કૂલ સંચાલક મંડળે ફી મુદ્દે આકરો નિર્ણય લીધો છે.

રાજકોટની સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે ફી નહીં ભરનારા વિદ્યાર્થીઓનું 10મી ડિસેમ્બરથી ઓનલાઇન એજ્યુકેશન બંધ કરી દેવાનો અને વાલીઓને સરકારની ચેનલ મારફત સંતાનોને ભણાવવાની સલાહ આપવાનો નિર્ણય કર્યો છે. ખાનગી સ્કૂલને સર્વાઇવના પ્રશ્નો થતા આ નિર્ણય કરાયાનો દાવો થઇ રહ્યો છે.

અમુક નાની ખાનગી સ્કૂલના સંચાલકોએ એવો બળાપો વ્યક્ત કર્યો હતો કે, મોટી-મોટી મોનોપોલી ધરાવતી ખાનગી સ્કૂલમાં વાલીઓ સામેથી ફી ભરી જાય છે જ્યારે નાની-નાની અને ઓછી ફી ધરાવતી ખાનગી સ્કૂલમાં જ ફી ભરવામાં વાલીઓ આડોડાઇ કરી રહ્યા છે

ભરત ગાજીપરા, પ્રમુખ, અખિલ ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળઃ ફી મુદ્દે સરકારે જે ગાઇડલાઇન આપી છે તે મુજબની ફી ખાનગી સ્કૂલ સંચાલકો લઇ રહ્યા છે, પરંતુ અમુક વાલીઓને આખી ફી ભરવી જ ન હોય તેથી ફોન પણ ઉપાડતા નથી અને જવાબ પણ આપતા નથી તેથી નાછૂટકે આ નિર્ણય લેવો પડ્યો છે

(8:31 am IST)