ગુજરાત
News of Monday, 30th November 2020

દેવ દિવાળીમાં રાજ્યના ત્રણ મોટા મંદિરો ભક્તો માટે બંધ

કોરોના સંક્રમણને પગલે લેવાયો નિર્ણય :રાજ્યમાં દેવ દિવાળીએ શામળાજી, ડાકોરનું મંદિર અને બહુચરાજી મંદિરો શ્રદ્ધાળુઓના દર્શન માટે બંધ રહેશે

અમદાવાદ, તા. ૨૯ : ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ત્રણ મોટા મંદિરોએ સોમવારે દેવ દિવાળીએ કાર્તિક પૂર્ણિમાની રાત્રે મંદિરના દરવાજા બંધ કરવાનો નિર્ણય લીધો છે. જેમાં શામળાજી મંદિર, બહુચરાજી મંદિર અને ડાકોર મંદિરનો સમાવેશ થાય છે. મંદિર ટ્રસ્ટોએ સોમવારે મંદિરો ન ખોલવાનું નક્કી કર્યું છે જેથી ભક્તોની ભીડ નહીં ઉમટે અને કોરોનાના સંક્રમણને પણ રોકી શકાશે. શામળાજી ખાતે શ્રી વિષ્ણુ મંદિર ટ્રસ્ટના મેનેજર કનુ પટેલે જણાવ્યું હતું કે, દેવ દિવાળી પર ચાર દિવસ સુધી એવી પરંપરા છે કે મંદિરની પાસે નાગધારા નામના સ્થળે વિશાળ મેળાનું આયોજન કરવામાં આવે છે. 'રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશથી લોકો આવે છે. ભક્તો મેળામાં ભાગ લઈ પ્રાર્થના માટે મંદિર આવે છે. આ દિવસોમાં મંદિરમાં દરરોજ સામાન્ય રીતે ૨૦,૦૦૦થી ૩૦,૦૦૦ શ્રદ્ધાલુઓ આવે છે.

             અમે કોવિડ -૧૯ને કારણે આવા મેળાવડાઓ ટાળવા માંગતા હતા. પટેલે જણાવ્યું હતું કે, મેળો રદ કરવામાં આવ્યો છે અને મંદિર પણ ૨૭થી ૩૦ નવેમ્બરની વચ્ચે બંધ કરવામાં આવ્યું છે.' દેવ દિવાળી પર મંદિરમાં ભક્તો વિના ધાર્મિક વિધિ કરવામાં આવશે. આવી જ રીતે ડાકોરનું મંદિર પણ દેવ દિવાળી પર બંધ રહેશે. ટ્રસ્ટના મેનેજર રાવેન્દ્ર ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, 'પૂનમનો પ્રસંગ આ મંદિર તરફ લગભગ ૭ લાખ ભક્તોને આકર્ષે છે. આ રોગચાળા દરમિયાન અમે આટલા વિશાળ મેળાવડાને પરવડી શકતા નથી અને તેથી મંદિર બંધ રહેશે.' મહેસાણા જિલ્લાના બહુચરાજી ખાતેનું બીજું એક મોટું મંદિર બહુચરાજી પણ દેવ દિવાળીના દિવસે બંધ રહેશે. અહીં સામાન્ય રીતે ૨૦,૦૦૦થી વધુ શ્રદ્ધાળુઓ મંદિરની મુલાકાતે આવતા હોય છે.

(9:38 pm IST)