ગુજરાત
News of Monday, 30th November 2020

રાજયમાં તહેવારોમાં એક હજાર સહીત અત્યાર સુધીમાં અંદાજે 6 હજાર બેંક કર્મચારીઓ થયા કોરોના સંક્રમિત

મહાગુજરાત બેંક કર્મચારી મંડળે દાવો કર્યો

અમદાવાદ: દિવાળીના તહેવારો સમયે બેંકોમાં ભીડ થતા રાજયમાં એક હજાર જેટલા બેંક કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા હોવાનો ખુલાસો થયો છે. તહેવારો સમયે બેંકમાં ગ્રાહકોની અવરજવર વધતા સંક્રમણ વધ્યા હોવાનો મહાગુજરાત બેંક કર્મચારી મંડળે દાવો કર્યો છે.
 રાજયમાં અત્યાર સુધીમાં અંદાજે 6 હજાર જેટલા બેંક કર્મચારી કોરોના સંક્રમિત થઈ ચૂક્યા હોવાનો દાવો કરાયો છે. ગુજરાતમાં 12 રાષ્ટ્રીયકૃત બેંકોની દસ હજાર જેટલી શાખાઓ આવેલી છે. જેમાં અંદાજે 30 હજાર જેટલા કર્મચારીઓ કામ કરી રહ્યા છે. એમ્પલોઈઝ યુનિયનનું માનવું છે કે, જો સંક્રમણની આવી જ સ્થિતિ રહી તો આવનારા દિવસોમાં સમય અથવા સ્ટાફની સંખ્યામાં ઘટાડો કરી કામગીરી ચાલુ રાખવાની નોબત આવી શકે છે.  રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 1564 નવા કેસ નોંધાયા હતા. જ્યારે સંક્રમણના કારણે વધુ 16 લોકોના મોત થયા હતા. આ સાથે જ કોરોનાથી કુલ મૃત્યુઆંક 3969 પર પહોંચ્યો છે.

(9:35 pm IST)