ગુજરાત
News of Friday, 30th October 2020

જ્વેલર્સને આ વર્ષે દિવાળી છેલ્લા 12 વર્ષમાં સૌથી ખરાબ રહેશે :સોનાની માંગ 2008 બાદના તળિયે પહોંચવા ભીતિ

2019માં સોનાની માંગ ડિસેમ્બરના સમયગાળામાં 7 વર્ષના તળિયે 194 ટન રહી હતી

અમદાવાદ : કોરોના મહામારીને કારણે આ વર્ષ દરેક સેક્ટર માટે નકારાત્મક રહ્યું છે સોનું, જે અનિશ્ચિતાના માહોલમાં રોકાણનું ઉત્તમ સાધન ગણાય છે તેને પણ કોરોના અને મંદીનો માર 2020માં નડી શકે છે.કોરોના મહામારીને કારણે ચોતરફ ભયનો માહોલ અને લોકડાઉનને કારણે અર્થતંત્ર બંધ પડતા લોકોની આવક બંધ થઈ છે. ભારતીયોની ટેવ હોય છે કે સંકટ સમય માટે રોકડ હાથ પર રાખવાને પ્રાધાન્ય આપે છે અને કોરોનાના સંકટ કાળમાં પણ ભારતીય જનતા આજ કરી રહી છે.

ભારતમાં સોનાની ખરીદી ઓક્ટોબર-ડિસેમ્બરના ત્રિમાસિકગાળામાં એટલેકે તહેવારોની ભરમાર ધરાવતા આ કવાર્ટરમાં નબળી રહેવાની આશંકા છે. જ્વેલર્સને આ વર્ષે દિવાળી છેલ્લા 12 વર્ષનો સૌથી ખરાબ સમય દર્શાવી જશે.

તહેવારો મોડા હોવા છતા ડિસેમ્બર કવાર્ટરમાં સોનાની માંગ ભારતમાં 2008 બાદના તળિયે પહોંચવાની ભીતિ છે. કોરોનાનો ડર અને લોકોની આવક ઘટતા ખાસ કરીને શહેરી આવક ઘટવી, બેરોજગારી દર વધવો અને ભવિષ્યની અનિશ્ચિત્તતા સોનાની માંગને અસર કરશે.

2019માં સોનાની માંગ ડિસેમ્બરના લગ્નસરના સમયગાળામાં 7 વર્ષના તળિયે 194 ટન રહી હતી પરંતુ, 2020નો ડિસેમ્બર ત્રિમાસિકગાળો તો 2008 બાદનો સૌથી ખરાબ રહેવાની ભીતિ છે,તેમ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલને ડેટા આપતા લંડન સ્થિત મેટલ ફોકસ લિમિટેડના ચિરાગ સેઠે બ્લૂમબર્ગ ક્વિન્ટને કહ્યું છે.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલમાં ભારતના મેનેજિંગ ડાયરેક્ટર પી આર સોમાસુંદરમે પણ કહ્યું કે સપ્ટેમ્બરના નવ માસમાં સોનાની જ્વેલરી, સિક્કા અને બારનું વેચાણ વાર્ષિક દ્રષ્ટિએ રેકોર્ડ ઘટીને 252 ટન જ રહ્યું છે અને સમગ્ર વર્ષનું કુલ વેચાણ(ડિસેમ્બર ત્રિમાસિકગાળા સાથે) પણ રેકોર્ડ તળિયે રહેવાનું અનુમાન છે.

(11:34 pm IST)