ગુજરાત
News of Friday, 30th October 2020

સુરતમાં સકારમાંથી શંકાસ્પદ હાલતમાં તમાકુના વેપારીની લાશ મળતાં ચકચાર

પીએમમાં વેપારીનું મોતનું કારણ કીડનીમાં ઇજાને કારણે થયાનું ખુલ્યું

સુરત : સિટીલાઈટ અશોક પાન સેન્ટરની બાજુની ગલીમાંથી ગઈકાલે મોડી સાંજે તમાકુના વેપારી તેમની કારમાંથી શંકાસ્પદ હાલતમાં બેભાન મળી આવ્યા હતા. તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાં ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પીએમમાં વેપારીનું મોતનું કારણ કીડનીમાં ઇજાને કારણે થયું હોવાનુ બહાર આવ્યું છે.

 

સુરતના સિટીલાઈટ મેધના પાર્ક વૃંદાવન ક્રિષ્ણા વાટીકા ખાતે રહેતા સ્નેહલ અશોકભાઈ તમાકુવાલા તમાકુના વેપાર ધંધા સાથે સંકળાયેલા છે. સ્નેહલભાઈ ગઈકાલે મોડી સાંજે પોણા સાતેક વાગ્યે સિટીલાઈટ અશોક પાન સેન્ટરની ગલીમાં તેમની કારમાંથી શંકાસ્પદ રીતે બેભાન હાલતમાં મળી આવ્યા હતા. અમિતભાઈ ભગત નામના વ્યકિતએ સ્નેહલભાઈને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા ત્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.
બનાવ અંગે પોલીસને જાણ થતા તે ઘટનાસ્થળે પહોંચી હતી. લાશને પીએમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી હતી. પીએમમાં સ્નેહલ તમાકુવાલાનું મોતનું કારણ કીડનીમાં ઇજા થવાને કારણે થયું હોવાનુ બહાર આવ્યું છે. બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.

(6:31 pm IST)