ગુજરાત
News of Friday, 30th October 2020

નરેન્‍દ્રભાઇના આગમનના પગલે અમદાવાદમાં સ્‍પીડબ્રેકરો દૂર કરાયાઃ અમદાવાદના કેટલાક રસ્‍તાઓ બંધ કરાયા

અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે તેઓએ કેશુબાપાના નિધનને કારણે શિડ્યુલ ચેન્જ કરતા આજે સવારે દિલ્હીથી અમદાવાદ થઇને ગાંધીનગર ગયા હતાં. જ્યાં તેઓએ કેશુબાપા અને કનોડિયા પરિવારને સાંત્વના આપી હતી. બાદમાં PM મોદીએ આરોગ્ય વન અને આરોગ્ય કુટીર, એકતા મોલ અને ચિલ્ડ્રન ન્યૂટ્રિશિયન પાર્કનું લોકાર્પણ કર્યું હતું. 30 તારીખના રોજ આજે કેવડીયા કોલોની ખાતે અનેક પ્રોજેક્ટ્સનું પીએમ ઉદ્ઘાટન કરશે. જ્યારે 31 ઓક્ટોબરના શનિવારના રોજ દેશના પ્રથમ સી પ્લેનનું ઉદ્ઘાટન વડાપ્રધાનના હસ્તે થવાનું છે. તેઓ સી પ્લેનમાં બેસી કેવડિયાથી સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે આવવાના છે. જેથી તેમના પ્રોટોકોલના ભાગરૂપે રિવરફ્રન્ટ રોડ પર આવેલા તમામ સ્પીડ બ્રેકર હટાવી લેવામાં આવ્યાં છે.

અત્રે નોંધનીય છે કે, વડાપ્રધાન મોદીના તારીખ 31 ઓક્ટોબરના રોજ આગમનને લઇને રિવરફ્રન્ટ પર જોરશોરથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વડાપ્રધાન સી પ્લેનમાં બેસીને આવતી કાલે અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પહોંચશે. જેથી અમદાવાદના કેટલાંક રસ્તાઓ પણ બંધ રાખવામાં આવશે.

અમદાવાદનાં કેટલાંક માર્ગો બંધ કરાશે

મોદી સી-પ્લેનનું લોકાર્પણ કરવાના હોવાથી તા. 31ના શનિવારના રોજ સવારે 10થી બપોરે બે વાગ્યા સુધી અમદાવાદનાં સાબરમતી રિવરફ્રન્ટ પશ્ચિમ રોડ વાડજ સ્મશાનગૃહ કટથી આંબેડકર બ્રિજ સુધીનો જતો-આવતો માર્ગ બંધ રાખવામાં આવશે. ઉપરાંત શહેરમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સાથે બે દિવસમાં પીએમ મોદી બે દિવસમાં બે વાર અમદાવાદમાં હોવાના કારણે ગાંધીનગર અને અમદાવાદ પોલીસને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

જાણો 31 ઓક્ટોબરનો સમગ્ર કાર્યક્રમ

સવારે 7 કલાકે આરોગ્ય વનનું ઉદ્ઘાટન કરશે.

સવારે 7.30 કલાકે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર ચરણ પૂજા.

સવારે 8 કલાકે રાષ્ટ્રીય એકતા પરેડ સલામી નિરીક્ષણ કરશે.

સવારે 8.45 કલાકે રાષ્ટ્રીય જોગ સંબોધન કરશે.

સવારે 9 કલાક પછી IAS વર્ચ્યુઅલ સંવાદ યોજશે.

તળાવ નંબર 3 પર જશે, સી-પ્લેનનું ઉદ્ઘાટન કરી અમદાવાદ જવા રવાના થશે.

(4:43 pm IST)