ગુજરાત
News of Friday, 30th October 2020

મહિલા સફાઇ કામદારની ગુજરાત રાજ્‍ય માનવ અધિકાર આયોગમાં ફરિયાદ બાદ કોરોના સહાય ચૂકવવા મુદ્દે 23મી સુધીમાં અહેવાલ રજૂ કરવા હૂકમ

અમદાવાદ: કોરોનાની મહામારીમાં કામગીરી દરમિયાન મૃત્યુ પામેલા કેશોદ નગરપાલિકામાં અનુસુચિત જાતિના 50 વર્ષીય મહિલા સફાઇ કામદાર દિવાળીબેન બોરેચાના વારસદારોને સહાય ચુકવવા ગુજરાત રાજય માનવ અધિકાર આયોગમાં ફરિયાદ થઇ હતી. ફરિયાદના પગલે આયોગે કેશોદ નગરપાલિકાના ચીફ ઓફીસરને અંગેનો 23મી નવેમ્બર સુધીમાં અહેવાલ રજૂ કરવા હુક્મ કર્યો છે. જો સમયસર અહેવાલ રજૂ કરવામાં નિષ્ફળ જશો તો કાયદેસરની કાર્યવાહી કરવાની તાકીદ કરી છે.

અમદાવાદ સ્થિત માનવ અધિકાર કાર્યકર્તા કાન્તિલાલ પરમાર દ્વારા આયોગ સમક્ષ કરાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, કેશોદ નગરપાલિકાના મહિલા સફાઇ કામદાર તરીકે દિવાળીબેન તુલસીભાઈ બોરેચા કાયમી નોકરી કરતા હતા. વૈશ્વિક મહામારી કોવીડ-19ની કામગીરી દરમિયાન શરદી-ઉધરસ ગાળામાં સોજો અને તાવ આવતા તેઓની તપાસ કરાવી હતી. જેમાં 13 ઓગસ્ટના રોજ કોરોના સંક્રમિત રિપોર્ટ આવ્યો હતો. તેમના પુત્ર જયેશભાઈ તુલશીભાઇ બોરેચાએ તેમને શહેરના ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જયાં ફરજ પરના ડોકટરે તપાસના રિપોર્ટ જોયા બાદ કેસ ગંભીર જણાતા તેમને જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરાયા હતા. જ્યાં 15 ઓગસ્ટના રોજ દિવાળીબેન તુલસીભાઇ બોરેચાનું સારવાર દરમ્યાન અવસાન થયું હતું.

બાદ ફરજ પરના ડોકટરે દિવાળીબેન બોરેચાના પુત્રને જણાવેલ કે દિવાળીબેનનું કોરોનાથી મૃત્યુ થયુ હોવાથી સરકારની ગાઇડ લાઇન મુજબ હવે મૃતદેહનો કબજો સરકાર સંભાળી લઇ અંતિમ સંસ્કાર પણ સરકારી તંત્ર કરશે. તમે અમુક વ્યક્તિ હાજર રહી શકશો. તેથી નિયમ અનુસાર મૃતદેહની અંતિમવિધી સરકાર તરફથી કરવામાં આવી હતી.

મુદ્દે કર્મચારીના મોતના બનાવમાં સરકાર દ્વારા 8 અપ્રિલના રોજ સામાન્ય વહીવટ વિભાગ ( GAD ) કરેલા પરિપત્ર અનુસાર રૂ. 25 લાખની સહાય મળવાપાત્ર છે. તો સહાય તાત્કાલિક મળે તે મુદ્દે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ, દિલ્હી સમક્ષ દાદ માંગતી પીટીશન કરી રજૂઆત કરવામાં આવી હતી. માનવ અધિકાર આયોગે પીટીશન ગુજરાત રાજય માનવ અધિકાર આયોગ, ગાંધીનગરને તબદીલ કરી તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવેલ હતું. જેમાં ગુજરાત રાજ્ય આયોગ દ્વારા કાર્યવાહી કરી ગુજરાત સરકાર સામાન્ય વહીવટ વિભાગના 08/04/2020ના ઠરાવના અમલીકરણ સંદર્ભે કેશોદ નગરપાલિકાના ચીફ ઓફિસરને નોટીસ ફટકારી હતી. બાબતે કરેલી કાર્યવાહી અંગેનો સ્પષ્ટ અભિપ્રાય સાથેનો સર્વગ્રાહી અહેવાલ તા.23 નવેમ્બર સુધીમાં મોકલી આપવા આદેશ આપ્યો છે.

(4:42 pm IST)