ગુજરાત
News of Friday, 30th October 2020

માતૃશ્રાદ્ધની તીર્થભૂમિ સિદ્ધપુર વિશે માહિતીનો ખજાનો : જયનારાયણ વ્યાસની કલમે પુસ્તક

'સમસ્ત હિન્દુઓ કા શ્રદ્ધાસ્થાન માતૃશ્રાદ્ધ તીર્થસ્થલી સિદ્ધપુર'' પુસ્તકમાં રંગીન ફોટાઓ સાથે હિન્દી ભાષામાં રસપ્રદ વર્ણન : પુસ્તક સૌજન્ય પરિમલ નથવાણી

રાજકોટ, તા. ૩૦ : ગુજરાતના પૂર્વ કેબીનેટ મંત્રી અને જાણીતા લેખક-વકતા શ્રી જયનારાયણ વ્યાસે પોતાની કલમે 'સમસ્ત હિન્દુઓ કા શ્રદ્ધાસ્થાન માતૃશ્રાદ્ધ તીર્થસ્થલી સિદ્ધપુર' શીર્ષકથી હિન્દી ભાષામાં રંગીન ચિત્રો સાથે પુસ્તક તૈયાર કર્યું છે. જેમાં રાજયસભાના સભ્ય અને રિલાયન્સ ઇન્સ્ટ્રીઝના સિનિયર ગ્રુપ પ્રેસીડેન્ટ શ્રી પરિમલ નથવાણીએ સૌજન્ય સેતુની ભૂમિકા કરી છે. કુલ ૧૬૦ પાનાના આ પુસ્તકની કિંમત રૂ. ૩૦૦ છે. પ્રકાશક તરીકે સુહાસિની જે. વ્યાસ છે.

પુસ્તકમાં સિદ્ધપુર શ્રીસ્થલ, કપિલમુનિની જન્મભૂમિ, સરસ્વતી અને સિદ્ધપુર તથા સિદ્ધપુરના સરસ્વતી મંદિર, કર્દમઋષિની તપોભૂમિ, બાલકેશ્વર મહાદેવ, સિદ્ધેશ્વર મહાદેવ અને અન્ય શિવ મંદિરો, વિષ્ણુ મંદિર, માતાજી મંદિર, જયા મહાપ્રભુજી બે વખત પધારેલા તે બેઠક, જૈન દેરાસર, સંતો અને એનામક વગેરેની વિગતવાર માહિતી આપવામાં આવી છે.

પ્રસ્તાવનામાં ડો. જયનારાયણ વ્યાસ જણાવે છે કે, ગયાજીમાં હિન્દુ સંસ્કૃતિ પિતૃશ્રાદ્ધની તર્પણ વિધ કરે છે અને પિતૃઋણથી મુકત થવા કામના કરે છે. એ જ રીતે હિન્દુ સંસ્કૃતિમાં માતૃઋણની પરંપરા રહી છે. માતૃશ્રાદ્ધની તીર્થભૂમિ અમદાવાદથી ઉતર દિશામાં લગભગ ૧૦૦ કિ.મી. દૂર સિદ્ધપુર (શ્રીસ્થલ) છે. ભગવાન કર્દમ ઋષિ અને કપિલ મુનિની આ તપોભૂમિ છે. માતા દેવહુતિને સાંખ્યશાસ્ત્રનો ઉપદેશ આપીને મોક્ષ માર્ગે પ્રેરિત કરવાની ઘટના જયાં બનેલ તે પવિત્ર સ્થળ બિંદુ સરોવર આજે પણ માતૃશ્રાદ્ધ માટે શ્રદ્ધાળુઓને આકર્ષિત કરનારૂ તીર્થ છે. ભારતના પાંચ પવિત્ર સરોવરોમાં  બિંદુ સરોવર, માનસરોવર, નારાયણ સરોવર, પુષ્કર સરોવર અને પંપા સરોવરનો સમાવેશ થાય છે. મહાપ્રભુજી અહીંયા સરોવરનો સમાવેશ થાય છે. મહાપ્રભુજી અહીંયા બે વખત પધારેલ. સ્વામિનારાયણ ભગવાન ત્રણ વખત પધારેલ. સુલ્તાન પાર્શ્વનાથની ખૂબ પ્રાચીન પ્રતિમા સિદ્ધપુર સ્થિત છે.

પવિત્ર સરસ્વતી નદીના કિનારે વસેલ આ શહેર પાંચ સ્વયંભૂ શિવલીંગોનું તીર્થસ્થાન છે. સિદ્ધપુરનું અધિક મહત્વ હોવા છતાં તેના વિશે અંગ્રેજી કે હિન્દીમાં પ્રમાણભૂત અને શાસ્ત્રોકત જાણકારી આપતું પુસ્તક ઉપલબ્ધ ન હતું.

આ પુસ્તક આ કમી દૂર કરે તેવી લેખકને આશા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ડો. જયનારાયણ વ્યાસ ભૂતકાળમાં સિદ્ધપુરમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઇના રાજયમાં કેબીનેટ મંત્રી બનેલ. તેમના કાર્યકાળમાં આ વિસ્તારના વિકાસને વેગ મળ્યો હતો.

સંપર્ક :- ૧-સાકેત હાઉસ, પંચશીલ સોસાયટી, અંડર બ્રિજ પાસે, ઉસ્માનપુરા, ફોન નં. ૦૭૯-ર૭પપ૧૯૩૧, મો. ૯૮રપ૦ ૦પ૩૩પ, અમદાવાદ.

(11:29 am IST)