ગુજરાત
News of Friday, 30th September 2022

સાણંદ મામલતદાર કચેરીમાંથી 1500 રૂપિયાની લાંચ લેતા પટાવાળો એસીબીના હાથે ઝડપાયો

કાચી નોંધ પડાવવા બદલ પટાવાળા ભરતજી મોહનજી ઠાકોરે રૂ.1500ની લાંચની માંગી હતી : એસીબીએ છટકું ગોઠવી દબોચી લીધો

 

અમદાવાદના સાણંદમાં એક જાગૃત નાગરિક દ્વારા અમદાવાદમાં આવેલા સાણંદની મામલતદાર કચેરીના પટાવાળા વિરુદ્વ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતાની પત્ની અને દીકરીના નામ પોતાની જમીનના 7-12માં નોંધ કરાવવા માટે ઈ-ધરા કચેરીમાં અરજી કરી હતી. તે અંગે કાચી નોંધ પડાવવા બદલ કચેરીના પટાવાળા ભરતજી મોહનજી ઠાકોરે રૂ.1500ની લાંચની માંગણી કરી હતી. જેથી ફરિયાદીએ લાંચિયા પટાવાળાને રૂ.500/- અગાઉ આપેલા હતા. અને બાકીના રૂ. 1000/- કાચી નોંધ પડ્યા પછી આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો.જો કે, ફરિયાદી બાકીની લાંચની રકમ આપવા ન માંગતો હોવાથી તેણે પોતાની સમજ પ્રમાણે એસીબીનો સંપર્ક કરી સમગ્ર ઘટના વિશે જણાવ્યું હતું.

એસીબીને આ અંગે જાણ થતા એસીબી દ્વારા ફરિયાદીની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. તેમજ એસીબી દ્વારા લાંચિયા પટાવાળાને રંગેહાથ ઝડપી પાડવા માટે ટીમ સાથે મળી છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં ફરિયાદીએ લાંચિયા પટ્ટાવાળા સાથે લાંચ આપવા તૈયાર હોવાનું જણાવી સ્વીકારવા માટે મુલાકાત કરવા જણાવ્યું હતું. જેથી પટાવાળાભરત અને ફરિયાદી દ્વારા મામલતદાર કચેરીએ મળવાનું નક્કી કર્યું હતું.

લાંચિયા પટાવાળા અને ફરિયાદી વચ્ચે થયેલી વાતને ધ્યાને રાખી એસીબીની સમગ્ર ટીમ સાણંદની મામલતદાર કચેરીએ વોચમાં ગોઠવાઈ ગઈ હતી. જ્યાં થયેલી વાતચીત મુજબ ફરિયાદી કચેરીએ પહોંચી ગયો હતો. થોડા સમય બાદ લાંચિયો પટાવાળો પણ નક્કી કરાયેલા સ્થળ પર આવી જાય છે. જ્યાં બંન્ને વચ્ચે પંચ-નં1ની હાજરીમાં ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણાં માંગી સ્વીકાર કર્યા હતા. લાંચિયા આરોપીએ લાંચની રકમ સ્વીકારતા જ એસીબીની ટીમ સ્થળ પર ત્રાટકી લાંચિયા પટાવાળાને રંગેહાથ ઝડપી પાડે છે.

આમ, અમદાવાદ ગ્રામ્ય એસીબીની ટીમ CIDની સ્ટાઈલમાં લાંચિયા પટાવાળાને રંગેહાથ લાંચ લેતા ઝડપી પાડે છે. ત્યારબાદ તેની પૂછપરછ કરવામાં આવે છે. તેમજ તેની પાસે રહેલી લાંચની રકમ રૂ.1500/-રીકવર કરી તેના વિરુદ્વ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.

(11:26 pm IST)