ગુજરાત
News of Friday, 30th July 2021

હરિપ્રસાદ સ્વામીજી મહારાજની અંત્યેષ્ટિના સ્થાને ભવ્ય સમાધિ મંદિર બનાવાશે

લીમડાવનમાં અંત્યેષ્ટિ સ્થળનું સંતો દ્વારા ભૂમિપૂજન : પરેશભાઇ ધાનાણી - હાર્દિક પટેલ - શંકરસિંહ વાઘેલા દ્વારા શ્રધ્ધાસુમન અર્પણ

રાજકોટ તા. ૩૦ : પૂજય હરિપ્રસાદ સ્વામીજી મહારાજનાં અંતિમ દર્શન માટે લાખો ભકતોનો પ્રવાહ અવિરત ચાલુ છે. સમાજના વિવિધ વર્ગના શ્રેષ્ઠીઓ પણ પૂજય સ્વામીજીના દિવ્ય વિગ્રહનાં દર્શન કરીને શ્રધ્ધાંજલિ આપવા મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે.  તા. ૩૧ સુધી અંતિમ દર્શન ચાલુ રહેશે. તા. ૧ ઓગસ્ટે બપોરે ૨  કલાકે હરિપ્રસાદ સ્વામીજી મહારાજની અંત્યેષ્ટિ થશે. 

પૂજય ત્યાગવલ્લભ સ્વામીએ જણાવ્યા અનુસાર હરિપ્રસાદ સ્વામીજી મહારાજે જીવનપર્યંત ગુરૂહરિ યોગીજી મહારાજ પ્રત્યેની ગુરૂભકિત અદા કરવાનો આદર્શ પૂરો પાડયો છે.  હરિધામ મંદિરમાં નીચેના ફલોર ઉપર જ્ઞાનયજ્ઞ દેરીમાં બ્રહ્મસ્વરૂપ શા સ્ત્રીજી મહારાજ અને બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજને પધરાવવામાં આવ્યા છે.  દરરોજ બપોરે સાડાત્રણ કલાકે પ.પૂ. સ્વામીજી ત્યાં 'સ્વામિનારાયણ' મહામંત્રની ધૂન કરવા પધારતા.  દેશ-વિદેશની ધર્મયાત્રા માટે હરિધામથી નીકળતાં પહેલાં જ્ઞાનયજ્ઞ દેરીએ અને ઉપરના મજલે ઠાકોરજીનાં દર્શન-પ્રાર્થના કરવાનું ચુકતા નહીં.  તે જ રીતે પરત પધારે ત્યારે પણ દર્શન-પ્રાર્થના કર્યા પછી જ વિશ્રામ માટે પધારતા.  નાદુરસ્ત સ્વાસ્થ્ય હોય તો પણ ગુરૂ પરંપરાને દંડવત પ્રણામ કરવાનો તેઓશ્રી આગ્રહ રાખતા.  આ ઉપરાંત ભગવાન સ્વામિનારાયણની માફક લીમડાનું વૃક્ષ પરમ પૂજય સ્વામીજીને પ્રિય રહ્યું છે. 

પૂજય સ્વામીજીનાં આ પ્રિય સ્થાનની સન્મુખ જ લીમડાવનમાં તેઓશ્રીની અંત્યેષ્ટિ કરવામાં આવશે.  અંત્યષ્ટિના સ્થળે ભવ્ય સમાધિ મંદિર નિર્માણ કરવામાં આવશે.  અંત્યેષ્ટિ સંસ્કાર માટે જરૂરી પ્લેટફોર્મ તૈયાર કરવા માટે જરૂરી ખોદકામ કરતાં પહેલાં પૂજય પ્રેમસ્વરૂપ સ્વામી, પૂજય સંતવલ્લભ સ્વામી, પૂજય શાસ્ત્રી સ્વામી, પૂજય દાસ સ્વામી સહિતના વડીલ સંતોના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.  એ પછી તત્કાળ ખોદકામ કરીને ફાઉન્ડેશન ભરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.  

પૂજય ત્યાગવલ્લભ સ્વામીએ ઉમેર્યું હતું કે, પૂજય સ્વામીજી લાખો ભકતોના પ્રાણાધાર છે.  પ્રત્યેક ભકતોનાં હૃદય  તેઓશ્રીનું સ્મૃતિ મંદિર છે.  પરંતુ ભકતો પોતાના પ્રાણાધારની સ્મૃતિ કરીને ભાવો વ્યકત કરી શકે તેમજ સંકલ્પો-પ્રાર્થના કરી શકે તે માટે નિર્માણ પામનારૃં સમાધિ મંદિર ઉપયુકત તીર્થ બની રહેશે. 

આજે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં વસતા ભકતોને પરમ પૂજય સ્વામીજીનાં દિવ્ય વિગ્રહનાં દર્શનનો લાભ મળી રહ્યો છે.  રાજકોટ, જુનાગઢ, ભાવનગર, જામનગર, ગીરસોમનાથ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી વગેરે જીલ્લાઓમાંથી ભકતો હરિધામ દર્શનાર્થે પહોંચી રહ્યા છે.  દરમિયાનમાં આજે ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા શ્રી પરેશભાઈ ધાનાણી, પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ શ્રી હાર્દિક પટેલ તેમજ પૂર્વ મુખ્યમંત્રી શ્રી શંકરસિંહ વાઘેલાએ પૂજય હરિપ્રસાદ સ્વામીજી મહારાજનાં દર્શનાર્થે પહોંચીને શ્રધ્ધાંજલિ અર્પી હતી.

(3:19 pm IST)