ગુજરાત
News of Friday, 30th July 2021

હરિપ્રસાદ સ્વામીજીના દિવ્ય વિગ્રહને સંતો - ભકતોની અશ્રુભીની અંજલિ

દિવ્ય વિગ્રહની આરતી બાદ દર્શન શરૂ થયા : મુનિશ્રી જીનચંદ્રજી, શ્રી જીતેન્દ્રપ્રિય સ્વામિજી, પૂ. મોરારીબાપુ, શ્રી દેવકૃષ્ણ સ્વામી દ્વારા પત્રો અને ટેલીફોનિક શ્રધ્ધાંજલિ

રાજકોટ તા. ૩૦ : યોગી ડિવાઇન સોસાયટીના પ્રણેતા અને પરમાધ્યક્ષ પરમ પૂજય હરિપ્રસાદ સ્વામીજી મહારાજના દિવ્ય વિગ્રહનાં દર્શન શરૂ થતાં અશ્રુભીની આંખે અને ગદગદિત હૈયે ભકતો દર્શનાર્થે ઉમટી રહ્યા છે.   સવારે નવ કલાકે હરિપ્રસાદ સ્વામીજીના દિવ્ય વિગ્રહની પૂજય સંતો સર્વશ્રી પ્રેમસ્વરૂપ સ્વામી, નિર્મળ સ્વામી, કૃષ્ણચરણ સ્વામી, સંતવલ્લભ સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી વગેરે વડીલ સંતો સહિત તમામ સંતો અને સહિષ્ણુ સેવકોએ આરતી ઉતારવામાં આવી હતી. 

સ્વામીજી દરરોજ રાત્રે 'યોગી પ્રાર્થના મંદિર'માં સભામાં દર્શન-આશિષનો લાભ આપતા એ જ સ્થળ અને આસનને આવરી લેતા કાચના કક્ષમાં જ દિવ્ય વિગ્રહને પધરાવવામાં આવેલ છે.  સાંપ્રત પરિસ્થિતિને કારણે કોવિડ પ્રોટોકલને અનુસરીને દર્શન થઈ શકે તે માટે સમગ્ર સત્સંગ સમાજને જીલ્લા, શહેર, ગામ પ્રમાણે દિવસ અને સમય ફાળવી દેવામાં આવેલ છે.  ભકતો શાંતિથી અંતિમ દર્શન કરી શકે અને વરસાદના સંજોગોમાં લાઇન માટે વોટરપ્રૂફ ડોમની વ્યવસ્થા કરવામાં આવી છે.  સ્વયંસેવકો ભકતોનું માર્ગદર્શન કરી રહ્યા છે.  

યોગી ડિવાઇન સોસાયટીના પરમાધ્યક્ષ પરમ પૂજય હરિપ્રસાદ સ્વામીજી મહારાજનાં અક્ષરધામગમન બાદ વિવિધ સંપ્રદાયો અને પરંપરાના સંત મહાનુભાવો દ્વારા હાર્દિક શ્રધ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે. બંધુત્રિપુટી મુનિશ્રી જીનચંદ્રજી મહારાજે પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે, હજારો ભકતોના હૃદયમાં બિરાજતા પૂજયપાદ હરિપ્રસાદ સ્વામીજી મહારાજના પરમધામ પ્રયાણના સમાચારથી હ્રદયમાં ઉંડા આઘાતની લાગણી અનુભવાય છે. ભારતીય સંસ્કૃતિ અને સમગ્ર વિશ્વને કયારેય ન પુરાય એવા વિશિષ્ટ અને આત્મીયતા સભર સંતવર્યની ખોટ પડી છે. તેઓ વિશાળ યુવા સંમેલનો અને સત્સંગ સભાઓનાં વિશિષ્ટ આયોજનો દ્વારા યુવાપેઢીને દિવ્યતાને માર્ગે દોરી જવાનું યુગવર્તી કાર્ય કરીને અમરત્વને પામી ગયા છે.  પૂજય સ્વામીજી દિવ્ય દ્રષ્ટિથી હજારો યુવાનોની હ્રદય ધરતી ઉપર આત્મીયતાની અમીવૃષ્ટિ કરીને સહુના હ્રદયમાં ધબકતા રહેશે.

મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી પૂજયપાદ જીતેન્દ્રિયપ્રિય સ્વામીજીએ શ્રધ્ધાંજલિ અર્પતાં જણાવ્યું છે કે, પ.પૂ. સ્વામીજી સંપ, સુહ્રદભાવ અને આત્મીયતાની મુર્તિ હતા.  આચાર્ય શ્રી પુરુષોત્ત્।મપ્રિયદાસજી મહારાજ સાથે તેમણે આગવી આત્મીયતા હતી. સ્વામિનારાયણ સંપ્રદાય તથા આધ્યાત્મિક ક્ષેત્રે ન પુરાય તેવી ખોટ પડી છે.  તેઓશ્રીએ ચિંધેલા માર્ગે અનુસરીને તેઓશ્રીએ આપેલા પ્રેમને સંભારીને તન્મય થવું એ આપણાં સહુની ફરજ છે. 

પ્રસિધ્ધ સંત કથાકાર પૂજયપાદ મોરારીબાપુએ ટેલિફોનિક સંદેશમાં પ.પૂ.સ્વામીજી સાથેનાં સંસ્મરણો યાદ કર્યાં હતાં.  સમગ્ર સત્સંગ સમાજને આ ક્ષતિ સહન કરવાનું બળ મળે તેવી પ્રાર્થના કરી હતી.

સ્વામિનારાયણ ગુરુકુળ – રાજકોટના પરમ પૂજય સદગુરૂ દેવકૃષ્ણ સ્વામીએ તેમના સંદેશમાં જણાવ્યું હતું કે, પ.પૂ. સ્વામીજીના પ્રેમથી સર્જાયેલો સમાજ ધર્મ અને સંસ્કૃતિનું ઘરેણું છે.  યુવાનોને દ્રષ્ટિમાં રાખીને પ.પૂ. સ્વામીજીએ કરેલું યુગકાર્ય ચિરંજીવ રહેશે.  સ્વામિનારાયણ સંપ્રદાયને પ.પૂ. સ્વામીજીની વિદાયથી અવર્ણનીય ખોટ પડી છે. 

બોચાસણવાસી શ્રી અક્ષરપુરૂષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા વતી શ્રધ્ધાંજલિ અર્પતાં પૂજય અક્ષરવત્સલ સ્વામીએ સ્વામીજીની વિદાયને દુઃખદ ગણાવી હતી.  પૂજય મહંત સ્વામી મહારાજ અને વડીલ સંતો વતી તેમણે અંજલિ આપી હતી.

વ્રજધામ આધ્યાત્મિક સંકૂલ- વડોદરાના વૈષ્ણવાચાર્ય પૂજય શ્રી વ્રજરાજકુમાર મહારાજશ્રીએ હરિપ્રસાદ સ્વામીજી મહારાજના યોગદાનને અસામાન્ય અને અતુલ્ય ગણાવ્યું છે.  સ્વામીજીનો આત્મીયભાવ સમાજના તમામ વર્ગોને સ્પર્શ્યોં છે. 

એસ.જી.વી.પી.-છારોડીના સદગુરૂ સ્વામી પૂજય માધવપ્રિયદાસજીએ હરિપ્રસાદ સ્વામીજી સાથેનાં સંસ્મરણો યાદ કર્યાં હતાં.  તેઓશ્રીની સહજતા, સાધુતા અને સરળતા હૃદયસ્પર્શી હોવાનું તેમણે ઉમેર્યું હતું. 

એસ.એમ.વી.એસ. –વાસણાના સદગુરૂ સ્વામી પૂજય સત્યસંકલ્પ સ્વામીએ હરિપ્રસાદ સ્વામીજી મહારાજને આત્મીયતાના પર્યાય ગણાવ્યા હતા.

(3:19 pm IST)