ગુજરાત
News of Friday, 30th July 2021

લોક સહકારથી તાકિદની સારવાર માટે અમદાવાદમાં ૫૦ બેડની હોસ્પિટલનું ખાતમુહુર્ત

સંભવિત ત્રીજી લહેર સામે પોલીસ ફોજ તથા તેમના પરિવારની રક્ષા માટે તંત્ર એલર્ટ મોડમાં : રાજ્યભરની પોલીસ અને પરિવારને લાભ મળશે, સીપી સંજય શ્રીવાસ્તવ હસ્તે નિર્માણ કાર્ય શરૂ, રાજ્ય સરકાર, પોલીસ વડા દ્વારા પણ સહયોગ મળ્યો, લોકકલ્યાણ સાથે પોલીસની સતત ચિંતા કરનાર અધિકારીનું સ્વપ્ન અંતે સાકાર થયું

રાજકોટ તા.૩૦, કોરોના મહામારીના ચોતરફ ફેલાયેલ વાયરસનો લોકો ભોગ ન બને અને પોતાના અને પોતાના પરિવારના જીવ ગુમાવવા માટે જવાબદાર ન બને તે માટે સતત રોડ પર પોતાના અને પોતાના પરિવારના ભોગે ફરજ બજાવનાર પોલીસ અધિકારીઓ અને પોલીસ સ્ટાફ દ્વારા જે રીતે જીવ ગુમાવ્યા તે અનુભવ આધારે પોલીસ જવાનોને સંભવિત કોરોના મહામારીનીત્રીજી લહેર સામે સુરક્ષા બચાવ કરવા માટે રાજ્ય સરકાર,પોલીસ વડા આશિષ ભાટિયા અને અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રી વાસ્તવ દ્વારા ૫૦ બેડની હોસ્પિટલ નિર્માણ યુદ્ધના ધોરણે કરવાનો દ્રઢ સંકલ્પ કરાયો છે, જે બાબતને અમદાવાદના જોઇન્ટ પોલીસ કમિશનર અજય કુમાર ચોધરી દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.

  આ હોસ્પિટલમાં તાકિદની સારવાર સમયે ગુજરાત ભરની પોલીસની સાથોસાથ તેમના પરિવારને તાકીદે સારવાર મળે તે માટે આ અદભૂત અને દૂરંદેશીભર્યું પગલું ભરવામાં આવ્યું છે, જેને ખૂબ આવકાર મળી રહ્યો છે.

 સંભવિત ત્રીજી લહેર સામે પોલીસ જવાનોને તથા તેમના પરિવારને પણ તાકિદની સ્થિતિમાં નવ નિર્મિત હોસ્પિટલમાં સારવાર મળી રહે તે માટેના આ પ્રોજેકટ સરકાર, પોલીસ સાથે લોકોનો પણ સહયોગ મળનાર હોવાનું પણ જેસીપી અજય કુમાર ચોધરી દ્વારા જણાવાયું છે.

 ઉકત હોસ્પિટલનું ખાત મુહુર્ત પ્રવર્તમાન પરિસ્થિતિ અંતર્ગત મર્યાદિત સંખ્યાની ઉપસ્થિતિ વચ્ચે ખૂબ સાદા છતાં ગૌરવપૂર્ણ વાતાવરણ વચ્ચે વિધિપૂર્વક પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા થયેલ, ઉકત પ્રસંગે ગાંધીનગર રેન્જ વડા અભયસિંહ ચુડાસમા, સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહેલ, આનુસંગિક વ્યવસ્થા હેડ કવાટર સ્ટાફ તથા ડીસીપી કન્ટ્રોલ ડો.હર્ષદ પટેલ વિગેરે દ્વારા કરવામાં આવેલ. અત્રે યાદ રહે કે અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવનો અભિગમ રાજકોટ સીપી બન્યા અને તે પહેલાં પણ લોકોની સુરક્ષા સાથે પોલીસ કલ્યાણનો રહ્યો છે, અને તેવો દ્વારા ખૂબ કાર્યો પણ થયા છે.

(1:07 pm IST)