ગુજરાત
News of Thursday, 30th July 2020

અમદાવાદમાં રક્ષાબંધનના આડે ગણતરીના દિવસો બાકી છે છતાં હજુ બજારમાં ખરીદી ન નીકળતા વેપારીઓ ચિંતિત

અમદાવાદઃ શ્રાવણ મહિનાની સાથે તહેવારોની સીઝન શરૂ થઈ જાય છે. રક્ષાબંધનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. પરંતુ કોરોના વાયરસને કારણે બજારમાં મંદી જોવા મળી રહી છે. રાખડીનું માર્કેટ ડાઉન છે. તો કેટલાક વેપારીઓ ઓનલાઇન રાખડીનો વેપાર કરી રહ્યાં છે.

અમદાવાદ શહેર રાખડીનું હબ છે અને દેશભરમાંથી વેપારીઓ રાખડી અમદાવાદમાંથી મંગાવે છે. પરંતુ આ વર્ષે કોરોનાના કારણે દેશભરના વેપારીઓ અમદાવાદની બજારમાં રાખડી ખરીદવા આવી રહ્યાં નથી. રાખડીના વેપારીઓએ આ વર્ષે મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. પરંતુ અમદાવાદના વેપારીઓ ઓનલાઈન વેપાર કરી રહ્યા છે. જેનાથી તેમનો 50 ટકા વેપાર ચાલી રહ્યો છે.  અમદાવાદમાં લોકોને આકર્ષિત કરે તેવી રાખડી આ વેપારીઓ બનાવી રહ્યાં છે.

ઓનલાઈન વેપારને લઈ રાખડીના વેપારીઓ થોડો હાશકારો અનુભવી રહ્યા છે. કારણ કે કોરોના મહામહારીના કારણે છેલ્લા ઘણા સમયથી વેપાર તો બંધ છે અને માર્કેટમાં મંદી છે. આ પરિસ્થિતિમાં ઓનલાઈન રાખડીનો વેપાર કરીશકાય તે  સારુ  છે. જેમાં વેપારીઓએ રાખડીના ફોટા અને કિંમતની એક પીડીએફ ફાઇલ બનાવે છે અને દેશભરના વેપારીઓને મોકલે છે જેના થી તેમને થોડો વેપાર મળી રહ્યો છે.

(4:56 pm IST)