ગુજરાત
News of Thursday, 30th June 2022

આવતીકાલે જગતના નાથ નિકળશે નગરચર્યાએ, વિરમગામમાં નિકળશે ભગવાન જગન્નાથની ૪૦મી ભવ્ય રથયાત્રા

જય રણછોડ માખણ ચોરના નાદથી વિરમગામ ગુંજી ઉઠશે, ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રથયાત્રા નિકળશે

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : આવતીકાલે અષાઢી બીજે વિરમગામ શહેર સહિત  રાજ્યભરના અનેક તાલુકા અને જિલ્લા મથકોમાં  ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળશે. વિરમગામ શહેરના ૪૦૦ વર્ષથી પણ પૌરાણિક રામ મહેલ મંદિરથી અષાઢી બીજના પાવન દિવસે ભગવાન જગન્નાથજી, ભાઇ બલભદ્રજી તથા બહેન સુભદ્રાજી રથમાં બિરાજી મહંત રામકુમારદાસ બાપુ સહિત સાધુ સંતો, આગેવાનોએ રથનું પ્રસ્થાન કરાવશે.  રથયાત્રામાં સંતો-મહંતો, રાજકીય અગ્રણીઓ અનેક શ્રદ્ધાળુઓ  જોડાશે. સમગ્ર રથયાત્રા દરમિયાન જય રણછોડ માખણ ચોર, મંદિર મા કોણ છે રાજા રણછોડ છે સહિતના ગગનભેદી નાદ સાથે વિરમગામ શહેર જગન્નાથના રંગ મા રંગાશે. આ રથયાત્રા વિરમગામ શહેરનાં ઐતિહાસિક રામમહેલ મંદિર થી પરંપરાગત રૂટ પર થઈ સાંજે નિજ મંદિર પહોંચશે. રથયાત્રા દરમ્યાન મગ, જાંબુ, કાકડીના પ્રસાદનુ વિતરણ કરવામાં આવશે. રથયાત્રામા  સાઘુ-સંતો, ભજન મંડળીઓ   અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં ભક્તો જોડાશે. શ્રી બજરંગી અખાડા સહિતના અખાડાઓ દ્વારા વિવિધ કરતબો બતાવવામાં આવશે. આ ઉપરાંત  રથયાત્રા રૂટ પર  ઠેકઠેકાણે પાણી પરબ, નાસ્તા, પ્રસાદ સહિત સેવા કેન્દ્રોએ સેવા આપવામાં આવશે.  વિરમગામ શહેરમાં રથયાત્રા ને લઇને  ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને  તમામ ગતિવિધિઓ પર વોચ રાખી મોનીટરીંગ કરવામા આવશે.

 

(6:43 pm IST)