ગુજરાત
News of Thursday, 30th June 2022

મહુધાના ડડુસર ગામે મિત્રને બચાવવા તળાવમાં પડવું બે યુવાનને ભારે પડ્યું:જીવ ગુમાવવાની નોબત આવી

નડિયાદ : નડિયાદ મહુધા તાલુકાના ડડુસર ગામની ભાગોળમાં આવેલા તળાવમાં બપોરના સમયે નાહવા પડેલા ગામના બે યુવાન પાણીમાં ડૂબી જતા ગામમાં ભારે શોકની લાગણી વ્યાપી જવા પામી હતી. આ સંદર્ભે ગામના તરવૈયાઓએ ભારે જહેમત બાદ બંને છોકરાઓની લાશને પાણીમાંથી બહાર કાઢી હતી. બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મહુધા સી.એચ.સી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ સંદર્ભે મહુધા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે મહુધા તાલુકાના ડડુસર ગામમાં સમીર નબીભાઈ સાબીરભાઈ મલેક તથા અજગરનબીભાઈ  અસ્માલભાઈ મલેક પોતાના પરિવાર સાથે રહે છે. સમીર છૂટક મજૂરી કરે છે. દરમિયાન બુધવારે બપોરે સમીર તથા અજગર ગામની ભાગોળે આવેલ તળાવમાં નહાવા પડયા હતા. દરમિયાન સમીર ઊંડો ખાડો આવતા પાણીમાં ડૂબી રહ્યો હતો. જેને બચાવવા અજગર જતા તે પણ પાણીમાં ડૂબી ગયો હતો. આ વખતે તળાવમાં બીજી તરફ અલગથી માછલી પકડતા યુવાનોની નજર પાણીમાં ડૂબી રહેલ યુવકો પર પડતાં તેઓએ બચાવો... બચાવો...ની બુમો પાડતા આજુબાજુ લોકો ઘટના સ્થળે ઉમટી પડયા હતા. આ વખતે તળાવની આસપાસ વૃક્ષો નીચે આરામ કરતા ગ્રામજનો તળાવ કિનારે દોડી આવ્યા હતા. આ બનાવની જાણ ગામમાં વાયુવેગે પ્રસરતા ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટના સ્થળે ઉમટી પડયા હતા. ગામના યુવાન તરવૈયાઓએ ભારે જહેમત બાદ સમીર મલેક (ઉ.વ.૧૬) તથા અજગર મલેક (ઉ.વ.૧૯) ની લાશ એક બાદ એક પાણીમાંથી શોધી બહાર કાઢી હતી. આ બનાવની જાણ સ્થાનિક વહીવટી તંત્ર તથા મહુધા પોલીસ મથકે થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. 

(6:21 pm IST)