ગુજરાત
News of Thursday, 30th June 2022

અમદાવાદમાં ભગવાન જગન્‍નાથજીની રથયાત્રામાં સૌથી નાનો નર હાથી બલરામ સુંઢ ઉંચી કરી ભક્‍તજનોને આશિર્વાદ આપશેઃ રથયાત્રામાં 18 હાથી જોડાશે

1985માં કોમી રમખાણોમાં ગજરાજ સરજુ પ્રસાદે રથયાત્રા કાઢી હતી

અમદાવાદઃ અમદાવાદમાં ભગવાન જગન્‍નાથજીની રથયાત્રા નિમિતે 17 જેટલા ગજરાજને તબીબી પરિક્ષણ બાદ સજ્જ કરાયા છે. મંદિર પાસે 17 જેટલા હાથી છે. જેમાં નવ વર્ષના ગજરાજ બલરામને કેરળથી લવાયા છે. જે ભક્‍તજનોને મહાવતના આદેશથી સુંઢ ઉંચી કરી આશિર્વાદ આપશે. બલરામ ભક્‍તો માટે આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યો છે. રથયાત્રામાં કુલ 18 ગજરાજ જોડાશે.

કોરોના કારણે 2 વર્ષ માટે રથયાત્રા લોકો સાથે રંગેચંગે નીકળી શકી ન હતી. ત્યારે, આ વર્ષે હવે રથયાત્રાને 1 જ દિવસ બાકી છે. ત્યારે, આ વખતે રથયાત્રામાં 18 ગજરાજ જોડાશે. જેમાં બલરામ નામનો 9 વર્ષનો હાથી પણ પ્રથમવાર નાથને નગરચર્યાએ લઈ જશે. આ 9 વર્ષનો હાથી નાનથી લઈને મોટા તમામને માથા પર સૂંઢેથી આશિષ આપે છે.

ક્યાંથી આવ્યો છે સૌથી નાનો બલરામ હાથી?

કેરળમાં હાથીઓની સંખ્યા મોટા પ્રમાણમાં છે. જગન્નાથજી મંદિર પાસે 17 જેટલા હાથી છે અને તેમાં એક બલરામનો ઉમેરો થયો છે. બલરામ કેરળથી આવ્યો છે અને નાના મોટા તમામ લોકોને તેના મહાવતના કહેવા પર આશીર્વાદ આપે છે. મહાવતના માત્ર આટલું કહેવાથી કે, 'આશીર્વાદ દો' એટલે બલરામ પોતાની સૂંઢ ઉંચી કરીને માથા ઉપર મૂકીને આશિષ આપે. હાલ બલરામ જગન્નાથજી મંદિરના પાર્કિંગની જગ્યામાં રાખવામાં આવ્યો છે. અને બલરામ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

કેટલા ગજરાજ રથયાત્રામાં જોડાશેઃ

આગામી 1 જુલાઈએ અષાઢી બીજે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા નીકળવાની છે. ત્યારે, રથયાત્રામાં ભાગ લેવા માટે 14 ગજરાજ પણ સંપૂર્ણ રીતે સજ્જ છે. જેમાં 13 માદા અને 1 નર ગજરાજની તબીબી તપાસ કરવામાં આવી છે. જેમાં 9 વર્ષના નર ગજરાજનું નામ બલરામ છે. તો 11 વર્ષની સૌથી નાની માદાનું નામ રાની છે. તો 65 વર્ષની સૌથી વયસ્ક માદાનું નામ સંતોષી છે. તમામ 14 ગજરાજનું રાજ્યના પશુપાલન વિભાગ અને કાંકરિયા ઝૂના અધિકારીઓ તબીબી તપાસ કરી હતી. ગજરાજનું શારીરિક તાપમાન પણ ચેક કરવામાં આવ્યું. લોકોની ભીડમાં રહેવાલાયક વર્તનની પણ તપાસ કરવામાં આવી છે. ત્યારે, તમામ ગજરાજોનું સતત 3 દિવસથી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

1985 હુલ્લડમાં ગજરાજે કાઢી હતી રથયાત્રાઃ

1985માં અમદાવાદમાં કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા.  આ રમખાણોમાં રથાયાત્રા ન નીકળે તેવી પરિસ્થિતિ ઉભી થઈ હતી. આવી કપરી પરિસ્થિતિમાં નિજ મંદિરે તમામ પ્રકારની તૈયારીઓ થઈ હતી. પોલીસે પણ રથયાત્રા ન નીકળી શકે અને પરિસ્થિતિ કાબૂમાં રહે તે માટે મંદિરની બહાર બેરિકેટ લગાવ્યા હતા. તે સમયે ગજરાજ સરજુ પ્રસાદે ભગવાનના રથને ખેંચીને બહાર નીકળ્યા હતા. પોલીસે મુકેલા આડસને પગેથી દૂર કરીને રથને ખેંચી ગયા હતા. જે બાદ ભગવાનની ઈચ્છા સમજીને લોકો આ યાત્રામાં જોડાયા હતા.

(4:45 pm IST)