ગુજરાત
News of Tuesday, 30th June 2020

રાજપીપળા નગરપાલિકાને ગંદકી બાબતે વધુ એક લપડાક : ખુદ સાંસદે સ્વચ્છતા બાબતે પત્ર લખવો પડ્યો

રાજેન્દ્રનગર સોસાયટીમાં આવેલા મંદિરો તેમજ નજીકમાં આવેલી કલરવ વિદ્યાલય પાસે પાણી અને ગંદકીની ગંભીર સમસ્યા છતાં દસ વર્ષ થી કોઈ ઉકેલ નથી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નગર પાલિકા એક પછી એક વિવાદોમાં ઘેરાયેલી રહે છે હાલ ઘણા દિવસોથી વેરા વધારા બાદ અનેક બાબતે વિવાદમાં આવેલી રાજપીપળા નગરપાલિકા હાલ સ્વચ્છતા મુદ્દે વિવાદમાં આવી છે જેમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે રાજપીપળા ના ઘણા વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય વધી રહ્યું છે જેથી પ્રજાના સ્વાસ્થ્ય ઉપર ગંભીર જોખમ ઉભું થાય એમ હોવા છતાં હજુ કામગીરી બાબતે કોઈ ખાસ પગલાં લેવાતા નથી પરંતુ હદ તો ત્યારે થઈ છે જ્યારે ૧૦ વર્ષ થી ગંદકી નું નિરાકરણ ન આવતા ખુદ સાંસદે પાલિકાના ચીફ ઓફિસરને પત્ર લખવો પડ્યો હોય ત્યારે એ કેટલી શરમજનક બાબત કહેવાય
 ભરૂચ સાંસદ મનસુખભાઇ વસાવાએ ચીફ ઓફિસરને લખેલા પત્રમાં જણાવ્યું છે કે રાજેન્દ્રનગર સોસાયટી રાજપીપળામાં રાજેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં ચોમાસામાં પાણી ભરાઇ રહે છે જેના કારણે ખૂબ ગંદકી થાય છે કીચડ થવાના કારણે મહાદેવ મંદિર દુર્ગા મંદિર જલારામ મંદિર માં દર્શન કરવા આવતા દર્શનાર્થીઓ તેમજ નજીકની કલરવ વિદ્યાલય માં ભણતા ભૂલકાઓ અને આવતા જતા લોકોને ખૂબ જ મુશ્કેલી પડે છે સોસાયટી સહિત બધા જ લોકો ને ખૂબ તકલીફ પડે છે આ સ્થિતિ છેલ્લા દસ વર્ષથી છે આ વિસ્તારના નગર પાલિકાના સેવકોને લોકોએ અનેક વાર રજૂઆત કરી છે પરંતુ કોઇ જ પરિણામ આવ્યું નથી જેથી મારે આપને પત્ર લખવો પડ્યો છે તેથી આપને સ્થળ સ્થિતિનું નિરિક્ષણ કરી તાત્કાલિક પાણી નિકાલની ચોમાસા પહેલા ઉકેલ લાવે તેવી રજૂઆત કરી છે.
  અત્રે ઉલ્લેખનીય છે કે ગંદકી મુદ્દે ખુદ સંસદ ના રહેણાંક વિસ્તાર માં છેલ્લા ૧૦ વર્ષથી જો સમસ્યા હોય તો એક આમ નાગરીક ની આ બાબતે શુ પરિસ્થિતિ હશે તે સાંસદ ના પત્ર માં વર્ણવેલી વાત પર થી અંદાજ લગાવી શકાય છે.હાલ આ મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.

(11:21 pm IST)