ગુજરાત
News of Tuesday, 30th June 2020

ગોધરાકાંડમાં નરોડા પાટિયા કાંડનાં તહોમતદાર અને નિર્દોષ છૂટેલા ઉમેશ ભરવાડ પર બે શખ્સોનો ઘાતક હથિયારથી હુમલો

સમગ્ર ઘટના CCTV માં કેદ થતા પોલીસે તપાસ હાથ ધરી

અમદાવાદઃ ગુજરાતમાં 2002માં ગોધરા હત્યાકાંડ બાદ ફાટી નીકળેલા કોમી રમખાણોમાં અમદાવાદનો નરોડા પાટીયા કાંડ કેસમાં નિર્દોષ છૂટેલાં 52 વર્ષનાં ઉમેશ સુરાભાઈ ભરવાડ પર બે શખ્સોએ હુમલો કર્યો છે. જેને લીધે તેઓને ગંભીર ઇજા પહોંચી છે. જેથી તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં છે.

ઉમેશ ભરવાડ પર શહેરનાં કૃષ્ણનગર વિસ્તારમાં એક્ટિવા પર આવેલાં બે શખ્સોએ છરા અને લોખંડની પાઈપ વડે હુમલો કર્યો હતો. મહાસુખનગરમાં પોતાનાં ઘરે મોડી રાત્રે આવીને કૃષ્ણનગર નોબેલ સ્કૂલ પાસે પોતાની બુલેટ પાર્ક કરીને જ્યારે ઉમેશ ભરવાડ ઉભા હતાં તે જ સમયે અચાનક એક એક્ટિવા પર આવેલા બે શખ્સોએ તેમની પર ધારદાર છરા અને લોખંડની સ્ટીકથી હુમલો કરીને પંદરેક ઘા મારીને ફરાર થઇ ગયાં. જે સમગ્ર ઘટના CCTV માં પણ કેદ થઇ હતી.

જો કે આ ઘટનાની જાણ થતાં જ પોલીસકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં. પોલીસે CCTVનાં આધારે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. વહેલી સવારે કૃષ્ણનગર પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવતા પોલીસે આ મામલે ગુનો નોંધીને CCTV ને આધારે વધુ તપાસ હાથ ધરી છે.

અત્રે ઉલેલ્ખનીય છે કે ઉમેશ ભરવાડ કેટલાંય બાંગ્લાદેશી શરણાર્થીઓને તે અંગે ખુલ્લા પાડીને ખોટી આઈડીથી રહેતા બાંગ્લાદેશીઓની જાણ તેમજ તે અંગેની રજુઆતો પણ સ્થાનિક પોલિસને કરતો હતો. જ્યારે હુમલાખોર બે આરોપીઓ આ ઘટનાને અંજામ આપે તે પહેલા રિક્ષા અને બાઈક પર રેકી કરીને ઘટના ઘટી ત્યાં સુધી તેને નજરે નિહાળીને જગ્યા છોડી હતી.

(7:58 pm IST)