ગુજરાત
News of Tuesday, 30th June 2020

ગુજરાતમાં ચાલતા ગેરકાયદેસર હથિયારોની હેરાફેરીનો પર્દાફાશઃ ઍટીઍસ ટીમે કચ્છ, સુરેન્દ્રનગર અને મોરબીમાં દરોડા પાડીને ૫૦ હથિયારો સાથે ૧૩ આરોપીઓને ઝડપી લીધા

અમદાવાદઃ ગુજરાત ATS ને વધુ એક સફળતા હાંસલ થઇ છે. ATSની ટીમે રાજ્યમાં ચાલી રહેલ ગેરકાયદેસર હથિયારોની હેરાફેરીને લઇને પર્દાફાશ કર્યો છે. જેમાં ATSની ટીમે 50 હથિયારો સાથે 13 આરોપીઓની ધરપકડ કરી છે. રાજ્યનાં કચ્છ, સુરેન્દ્રનગર અને મોરબી સહિતનાં શહેરોમાં દરોડા પાડીને આ હથિયારોને જપ્ત કર્યા છે.

આ મામલે અમદાવાદમાં ગેરકાયદેસર ગનની ડિલ કરતા ગાન હાઉસનાં માલિક તરુણ ગુપ્તાની ધરપકડ કરીને તેની પૂછપરછ કરી હતી. આ અગાઉ પણ ગત અઠવાડિયે જ ગુજરાતનાં અલગ-અલગ જિલ્લાઓમાં દરોડા પાડીને ATSએ 54 વધુ હથિયારોને જપ્ત કરી 9 આરોપીની ધરપકડ કરી હતી. ત્યારે એવામાં ગુજરાત ATSએ તાજેતરમાં ફરી અમદાવાદ સહિત રાજ્યનાં પાંચ જિલ્લાઓમાં ગેરકાયદેસર હથિયારો રાખવાનાં નેટવર્કનો પર્દાફાશ કરી 50 ગેરકાયદેસર વિદેશી અને ભારતીય બનાવટનાં હથિયારો, કારતૂસ સાથે 13 આરોપીઓની ધરપકડ કરી છે.

નોંધનીય છે કે છેલ્લાં 9 દિવસથી ATSની ટીમોએ અમદાવાદ સહિત કચ્છ, મોરબી, ભાવનગર અને અમરેલી સહિતનાં વિવિધ સ્થળોએ દરોડા પાડ્યાં હતાં. જેમાં અત્યાર સુધીમાં કુલ 50 જેટલા ગેરકાયદેસર ભારતીય અને વિદેશી બનાવટનાં હથિયારો જપ્ત કરવામાં આવ્યાં છે.

અમદાવાદનાં ઇસ્કોન ચાર રસ્તા પાસેથી મુસ્તાક ગુલ મોહમ્મદ બલોચ (ઉં. વ. 42, વાંકાનેર) ને લોડેડ રિવૉલ્વર તથા ચાર કારતૂસો સાથે તેમજ વાહિદખાન અશરફખાન પઠાણ (ઉં. વ. 33, ગામ કોઠ ગાંગડ, બાવળા) ને એક પિસ્તોલ તથા ચાર જીવતા કારતૂસ સાથે ATSની ટીમે પકડી પાડ્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ ગુજરાત ATSએ તેનાં ઇતિહાસનું સૌથી મોટું ઓપરેશન હાથ ધરી અનેક શહેરોમાંથી 50 જેટલા વિદેશી હથિયારો ઝડપી પાડ્યા હતાં. ગુજરાત ATSએ કચ્છ, મોરબી,અમરેલી, વાંકાનેર, અમદાવાદ, ભાવનગર જિલ્લા સહિતની જગ્યાઓ પર સર્ચ ઓપરેશન હાથ ધરી 50થી વધુ વિદેશી હથિયારો કબ્જે કર્યા હતાં. આ ઘટનામાં 9 આરોપીઓની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

(5:12 pm IST)