ગુજરાત
News of Tuesday, 30th June 2020

અમદાવાદ રેન્જ આઇજીનો ચાર્જ જાઇન્ટ સીપી ટ્રાફિક જે.આર. મોથલિયાને સોંપાયો

ગાંધીનગર: અમદાવાદ રેન્જ આઇજીનો ચાર્જ અમદાવાદ શહેરના જોઇન્ટ સીપી ટ્રાફિક જેઆર મોથલિયાને સોપવામાં આવ્યો છે. જેઆર મોથલિયા પાસે ATSના ડીજીનો પણ વધારાનો ચાર્જ છે.

ગુજરાતમાં આઇપીએસ અધિકારીઓની મોટા પાયે બદલીઓ થવાની હતી પરંતુ અમદાવાદ રેન્જ આઇજીનો ચાર્જ જેઆર મોથલિયાને સોપવામાં આવતા હવે આઇપીએસ અધિકારીઓની બદલીઓ આગામી બે સપ્ટેમ્બર સુધી આવે તેવી શક્યતાઓ દેખાતી નથી. અમદાવાદ રેન્જના પૂર્વ આઇજી એકે જાડેજા ગયા માર્ચ મહિનામાં વય મર્યાદાને કારણે નિવૃત થતા તેમની જગ્યાનો વધારાનો ચાર્જ લાંચ રૂશ્વત બ્યુરોના જોઇન્ટ ડાયરેક્ટર ડીબી વાઘેલાને સોપવામાં આવ્યો હતો. આઇજીપી ડીબી વાઘેલા આજે 30મી જૂને વય મર્યાદાને કારણે નિવૃત થતા હોવાથી અમદાવાદ રેન્જ આઇજીનો વધારાનો હવાલો હવે અમદાવાદ શહેરના જોઇન્ટ સીપી ટ્રાફિક જેઆર મોથલિયાને સોપવામાં આવ્યો છે. આઇજીપી જેઆર મોથલિયા પાસે એન્ટી ટેરરીસ્ટ સ્કોડ (ATS)ના ડીજીનો પણ વધારાનો હવાલો છે. આ ઉપરાંત હવે તેમણે અમદાવાદ રેન્જ આઇજીનો પણ ચાર્જ સોપવામાં આવ્યો છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પૂર્વ સ્પેશ્યલ કમિશનર જેકે ભટ્ટ ગયા જાન્યુઆરી 2019માં નિવૃત થયા ત્યારે ક્રાઇમ બ્રાન્ચના જોઇન્ટ સીપીનો ચાર્જ જેઆર મોથલિયાને સોપવામાં આવ્યો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં સ્પેશ્યલ કમિશનર તરીકે અજય તોમરની નિમણૂંક બાદ જેઆર મુથોલિયા ATSના આઇજીનો પણ ચાર્જ સંભાળતા હતા.

(5:11 pm IST)