ગુજરાત
News of Tuesday, 30th June 2020

કર્યો વિશ્વાસઘાત, માફ નહીં કરે જગન્નાથ, રામના નામે માંગ્યા વોટ, જગન્નાથ માટે મનમાં કેમ ખોટ ? અમદાવાદમાં રથયાત્રા મુદ્દે લાગ્યા પોસ્ટરોઃ ભાજપ ઉપર સીધા આક્ષેપ

અમદાવાદ: રથયાત્રા ન યોજાઈ તેનો વિવાદ હજી શમ્યો નથી. અમદાવાદમાં આવેલા જજીસ બંગલો વિસ્તારમાં રથયાત્રા સંદર્ભે વિવાદાસ્પદ સ્ટીકરો જોવા મળ્યા છે. સ્ટીકરોના માધ્યમથી રથયાત્રા ન નીકાળી શકાઈ તેને લઈ રોષ પ્રગટ કરવામાં આવ્યો છે. ભાજપ સરકાર પર સીધા આક્ષેપ સ્ટીકરોના માધ્યમથી કરવામાં આવ્યા છે. .....કર્યો વિશ્વાસઘાત, માફ નહિ કરે જગન્નાથ', 'રામના નામે માગ્યા વોટ જગન્નાથ માટે મનમાં કેમ ખોટ?', 'હિન્દુ ઠેકેદારોના રાજમાં મહંત કેમ માગે મોત' જેવા લખાણ સાથેના વિવિધ સ્ટીકરો રોડ પર વિવિધ સ્થળે ચોંટાડવામાં આવ્યા છે.

ભગવાન જગન્નાથની 143 મી રથયાત્રા કોરોના સંક્રમણને કારણે માર્ગો પર નીકળી શકી ન હતી. ત્યારે રથયાત્રાના બીજા દિવસે મહંત દિલીપદાસજીના એક નિવેદને વિવાદ છંછેડ્યો હતો. તેઓએ મીડિયા સામે કહ્યું હતું કે, મારી સાથે રમત રમાઈ છે. રથયાત્રા યોજવાનું વચન આપ્યું હતું, પણ ન યોજાઈ. ત્યારબાદ બીજા દિવસે મહંત દિલીપદાસજીએ કહ્યું હતું કે, સરકારે રથયાત્રા નીકળે તેના માટે પુરા પ્રયાસો કર્યા હતા અને સમગ્ર મામલો થાળે પડ્યો હતો. ત્યારે હવે વિવાદાસ્પદ સ્ટીકર્સ સામે આવ્યા છે. હાલ તો આવા વિવાદાસ્પદ સ્ટીકર જજીસ બંગલો વિસ્તારમાં અનેક જગ્યાએ લાગ્યા છે. જોકે, હજુ સુધી કાઢવામાં નથી આવ્યા.

(5:09 pm IST)