ગુજરાત
News of Tuesday, 30th June 2020

૨-૩ જુલાઈ સુધી દેશભરમાં ચોમાસુ ફરી સક્રિયઃ ગુજરાતમાં પણ સારા વરસાદના ઉજળા સંજોગો

મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને પશ્ચિમી તટે નૈઋત્યનું ચોમાસુ સક્રિય થયુ : દક્ષિણ ગુજરાત બાદ ઉત્તર દિશામાં વરસાદ ફંટાશે : ૫-૬ જુલાઈ સુધી ચાલુ રહેશે

રાજકોટ : નૈઋત્યનું ચોમાસુ ધીમે - ધીમે ફરી સક્રિય થઈ રહ્યુ છે. સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતમાં આ સપ્તાહમાં સારા વરસાદના સંજોગો ઉભા થયા છે. ઈન્સેટ તસ્વીરમાં સૌરાષ્ટ્ર - ગુજરાત ઉપર પાંખા વાદળો દેખાય છે.

નવી દિલ્હી : થંભી ગયેલુ ચોમાસુ ફરી સક્રિય થઈ રહ્યુ છે. ૨-૩ જુલાઈથી ત્રણ - ચાર દિવસ સૌરાષ્ટ્ર - ગુજરાત સહિત દેશભરમાં સારા વરસાદના ઉજળા સંજોગો ઉભા થયા છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને પશ્ચિમી તટીય વિસ્તારોમાં પણ ચોમાસુ સક્રિય થયાનું વેધરની સંસ્થા સ્કાયમેટ દ્વારા જણાવાયુ છે.

ચોમાસાની સીઝનના ચાર મહિનાનો આજે પ્રથમ મહિનો પૂર્ણ થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં દેશભરમાં ચોમાસાનું પ્રદર્શન ખૂબ જ સારૂ રહ્યુ છે. જો કે અમુક સ્થળો એવા છે જયાં વરસાદની માત્રા ઓછી જોવા મળી પરંતુ દેશભરમાં ૨૯ જૂન સુધીમાં દેશભરમાં સામાન્યથી ૨૯ ટકા વધુ વરસાદ નોંધાયો છે.

મધ્ય ભારતમાં સામાન્યથી ૩૨ ટકા વધુ, પૂર્વોત્તર ભારતમાં સામાન્યથી ૧૯ ટકા વધુ, ઉત્તર ભારતમાં સામાન્યથી ૪ ટકા વધુ વરસાદ નોંધાયો છે. જો કે ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં ઓછો વરસાદ નોંધાયો હતો.

નૈઋત્યનું ચોમાસુ હવે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને પશ્ચિમી દરીયાકિનારે ફરી સક્રિય થઈ રહ્યુ છે.

જયારે પૂર્વોત્તર ભારતમાં ભારે વરસાદ પડી રહ્યો હતો તેમાં ઘટાડો આવશે. ચોમાસાની અક્ષિય રેખા ઉત્તર ભારતના પંજાબ, હરિયાણા ઉપર છે. પરંતુ પૂર્વમાં બંગાળની ખાડીમાં પહોંચી ગઈ છે. જેથી ત્યાં વરસાદમાં નોંધપાત્ર ઘટાડો થશે. પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડમાં અનેક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે.

જયારે મધ્ય ભારતમાં ઓરીસ્સા, છત્તીસગઢથી ગુજરાત સુધી વરસાદ પડશે. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર - ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી નોંધપાત્ર વરસાદ પડ્યો નથી. લોકલ સીબી ફોર્મેશનની અસરથી કોઈ - કોઈ વિસ્તારોમાં ખાબકી જાય છે.

મહારાષ્ટ્રથી કોંકણ સુધીના વિસ્તારોમાં વાતાવરણ ચોખ્ખુ હતું. છત્તીસગઢ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં વરસાદ ફરી શરૂ થશે. ૨૪ થી ૪૮ કલાક દરમિયાન મહારાષ્ટ્રના વિદર્ભ, મરાઠાવાડ, મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ - ગોવામાં મધ્યમ વરસાદ પડશે.

દક્ષિણ ગુજરાતમાં વરસાદની વધુ શકયતા છે ત્યારબાદ ઉત્તર ગુજરાતમાં વરસાદ પડશે.

મધ્ય પ્રદેશમાં પણ અમુક જગ્યાએ સારો વરસાદ પડશે.

સમગ્ર દેશભરમાં ચોમાસુ ૨ અને ૩ જુલાઈથી ફરી સક્રિય થઈ જશે. જે ૫-૬ જુલાઈ સુધી દેશના તમામ સ્થળોએ વરસાદ પડશે.

(11:58 am IST)