ગુજરાત
News of Tuesday, 30th June 2020

છેલ્લા ૧૦ દિવસના આંકડાનો અભ્યાસ

ગુજરાતમાં કોવિડ-૧૯ની પેટર્નમાં ફેરફારઃ અમદાવાદમાં કેસ-મૃત્યુદર ઘટયા તો સુરતમાં ચિંતાજનક રીતે વધ્યા

અમદાવાદ, તા.૩૦: છેલ્લા ૧૦ દિવસના તુલનાત્મક આંકડા દર્શાવે છે કે, ગુજરાતમાં કોવિડ-૧૯ની પેટર્નમાં મોટા ફેરફાર થયા છે. ૧૦થી ૧૯ અને ૨૦થી ૨૯ જૂન સુધી નવા કેસોની સરખામણી સૂચવે છે કે, અમદાવાદ જિલ્લાનો પોઝિટિવ કેસોનો હિસ્સો ૬૪ ટકાથી ઘટીને ૪૨.૨ ટકા થયો છે. જયારે કોવિડ-૧૯ના દર્દીઓના મૃત્યુમાં અમદાવાદ જિલ્લાનો હિસ્સો ૭૫ ટકાથી ઘટીને ૬૫ ટકા થયો છે. આમ અમદાવાદમાં કોરોનાના કેસ અને મૃત્યુદરમાં ઘટાડો થયો છે. જયારરે બીજી તરફ સુરતમાં ધરખમ વધારો જોવાા મળી રહ્યો છે.

બીજી તરફ પોઝિટિવ કેસોમાં સુરતનો હિસ્સો ૧૪.૫%થી વધીને ૨૮.૮% થયો છે, અને મૃત્યુ ૧૦.૫%થી વધીને ૧૮.૨% થયો છે. ૮% કેસોમાં વડોદરાનો હિસ્સો યથાવત્ રહ્યો હતો અને પાછલા ૧૦ દિવસમાં કોઈ મૃત્યુ નોંધાયું નથી. છેલ્લા ૧૦ દિવસોમાં બીજા કેટલાક જિલ્લાઓમાં નવા પોઝિટિવ કેસનો હિસ્સો ૧૩.૫%થી વધીને ૨૧.૪% થયો છે. તેમાં પણ મૃત્યુઆંકમાં ૧૩.૨%થી ૧૬.૮% સુધીનો થોડો વધારો થયો હતો.

ગાંધીનગર અને અરવલ્લી જિલ્લામાં પોઝિટિવ કેસોમાં ૯.૩ ટકાનો ઘટાડો થયો છે. છેલ્લા ૧૦ દિવસોની તુલનામાં બંને જિલ્લાઓમાં એક સરખા ૩૮ કેસ નોંધાયા છે. ગાંધીનગર અને અરવલ્લી સિવાય અન્ય તમામ જિલ્લાઓમાં કેસોમાં વધારો નોંધાયો છે. છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદના ૨૩૬ કેસ, સુરતમાં ૨૦૬ કેસ, વડોદરામાં ૫૦ અને પાટણમાં ૨૦ કેસ નોંધાયા છે.

છેલ્લા ૨૪ કલાકમાં રાજયમાં ૬૨૬ નવા કેસ નોંધાયા છે અને વધુ ૧૯ દર્દીઓ મોતને ભેટ્યા છે. જેથી હવે રાજયમાં કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા પણ ૩૨૦૨૩ થઈ છે. રાજયમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે અમદાવાદ કોર્પોરેશનમાં ૯, સુરત કોર્પોરેશનમાં ૨, બનાસકાંઠા અને રાજકોટમાં ૧-૧, સુરત અને સુરેન્દ્રનગરમાં ૨-૨ અને ખેડા અને અમરેલીમાં ૧-૧ મોત નીપજયાં છે. જેના કારણે હવે રાજયમાં કુલ મૃત્યુઆંક પણ ૧૮૨૮ થયો છે.

રાજયમાં કોરોનાના કહેર વચ્ચે એક ખુશખબર એ પણ છે કે વધુ ૬૨૬ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જેમાં સૌથી વધુ સુરતમાં ૧૮૭, અમદાવાદમાં ૧૭૧, વડોદરામાં ૨૬ અને આણંદમાં ૧૦ લોકોનો સમાવેશ થાય છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૪૩૩ ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ ૩.૬૭ લાખ ટેસ્ટ કરવામાં આવ્યા છે. સોમવાર સાંજ સુધીમાં ગુજરાતમાં ૨.૩૯ લાખ વ્યકિતઓ કવોરેન્ટાઈન હેઠળ છે. જેમાંથી ૨.૩૬ લાખ હોમ કવોરેન્ટાઈન છે.

(11:56 am IST)