ગુજરાત
News of Tuesday, 30th June 2020

સુરતમાં ૨૭ ચોરી કરનારી ચીખલીકર ગેંગનો શખ્સ જબ્બે

અમદાવાદની ક્રાઈમ બ્રાન્ચનું ઓપરેશન :પોલીસની તપાસમાં નવસારી સહિતના વિસ્તારોમાંની સંખ્યાબંધ ચોરીઓનો ભેદ ઉકેલાવાની સંભાવના

અમદાવાદ, તા. ૨૯ : સુરત શહેર અને જિલ્લા ઉપરાંત નવસારી સહિતના વિસ્તારોમાં સંખ્યાબંધ ચોરીઓ કરીને નાસતા ફરતા આરોપીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી લીધો છે. તેની તપાસમાં હજુ પણ ચોરીના કેટલાક વણ ઉકલ્યા ગુનાઓના ભેદ ખુલે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ આઇ એસ રબારી સહિતના સ્ટાફે સુરતના ભેસ્તાન ચાર રસ્તા ખાતેથી અમદાવાદની એક ચોરીના ગુનાના શકમંદ તરીકે ઘુંઘરૂ ઉર્ફે લંબુ  બહાદુરસીંગ મંગલસીંગ ચીકલીગરને ઝડપી પાડ્યો હતો.

           તેને અમદાવાદ લઇ જઇને પુછપરછ કરવામાં આવતા તેણે કબુલાત કરી હતી કે, અગાઉ સુરતના પોતાના સાગરીત નાનકસીંગ અને રાજબીરસીંગ સાથે મળીને સુરત શહેરમાં ખટોદરા, અડાજણ, મહિધરપુરા, ઉધના, લિંબાયત, અઠવાલાઇન્સ, વરાછા, ઉમરા, કામરેજ અને નવસારી સહિતના વિસ્તારોમાં અંદાજે ૨૭થી વધારે સ્થળો પર ચોરી કરી છે. ઉપરાંત તેણે વડોદરા પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાત સ્થળે ચોરી કરી હોવાથી તેના વિરૂધ્ધ ત્યાં પણ સાત ગુના નોંધાયેલા છે. અગાઉ મારામારી અને ચોરીના ગુનાઓને કારણે તેને પાસા હેઠળ પોરબંદર જેલના હવાલે પણ કરવામાં આવ્યો હતો. હાલમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ઘુંઘરૂની તપાસ કરી રહી છે બાદમાં તેને સુરત પોલીસને હવાલે કરવામાં આવશે અને તેની તપાસમાં હજુ પણ ચોરીના સંખ્યાબંધ ગુનાઓનો ભેદ ઉકેલાવાની સંભાવના જોવાઇ રહી છે.

(10:04 pm IST)