ગુજરાત
News of Saturday, 30th May 2020

સુરતમાં ધંધામાં જૂની ઉઘરાણી મામલે વેપારીને મારી નાખવાની ધમકી : પોલીસ ફરિયાદ દાખલ

કમિશન એજન્ટ 33.13 લાખનો કોલસો વેચી નાખ્યો : ઉઘરાણી કરતા વેપારીને ધમકી આપી

સુરત : કોરોના વાયરસને કારણે લૉકડાઉનમાં છૂટછાટ આપવામાં આવી છે. સુરતના વેસુ ખાતે રહેતા તરનજોત રિસર્સ પ્રા. લિ. નામની કોલસાનો વ્યાપાર કરતી કંપનીના વેપારી કમિશન એજન્ટે રૂપિયા 33.13 લાખની મત્તાનો કોલસો વેચાણ કરેલ તેની ઉધરાણી કરતા વેપારીને મારી નાખવાની ધમકી આપી છે. જોકે, વેપારી દ્વારા કમિશન એજન્ટ વિરુદ્ધ ઉમર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

 આ અંગેની વિગત મુજબ સુરતનાં વેસુ ખાતે આવેલા વીઆઇપી રોડ વિસ્તારના હેપી રેસીડન્સીમાં ફલેટ નં. એ-1103માં રહેતા જસ્વીન્દરસીંગ બુટ્ટાસીંગ છેલ્લા 9 વર્ષથી તરનજોત રિસર્સ પ્રા. લિ. નામે દેશભરમાં કોલસાનો વેપાર કરે છે. તેવામાં જસ્વીન્દર વર્ષ 2011માં મોહિત મીનરલ્સ પ્રા. લિ. નામે કંપની કોલસાનો વેપાર કરતો હતો. ત્યારે તેનો પરિચય ત્યાં કામ કરતા બલબીરસીંગ બિશનદાસ ગંડોતરા સાથે થયો હતો. જોકે, પોતાની ઓળખાણ હોવાને લઈને કંપનીના માલિકને મોટો ઓર્ડ આપવા સાથે કમાણી સારી થશે તેવી લાલચ આપી હતી. બલબીરસીંગ કોલસાના વેચાણ માટે કમિશન એજન્ટ તરીકે કામ કરતો હતો. જેને કારણે સુરતનાં કોલસાના વેપારી જસ્વિન્દરસીંગઆ કમિશન એજન્ટની વાતમાં આવી જઈને ગત તા. 2 જાન્યુઆરી 2018ના રોજ બલબીરસીંગે ગણેશ બેન્ઝો પ્લાસ્ટ લિમીટેડ કંપનીને કોલસાની જરૂર હોવાની વાતચીત કરી સોદો કરાવ્યો હતો.

જે અંતર્ગત તા. 7 માર્ચ 2018ના રોજ જસ્વીન્દરસીંગે રૂા. 33.13 લાખની મત્તાનો કોલસો ગણેશ બેન્ઝો પ્લાસ્ટ કંપનીને મોકલાવ્યો હતો. થોડા સમય બાદ જસ્વીન્દરસીંગે પેમેન્ટની ઉઘરાણી કરતા બલબીરસીંગે ગણેશ બેન્ઝો પ્લાસ્ટ કંપનીના માલિક વિદેશ ગયા છે. ત્યાર બાદ ઉધરાણી કરતા બીમાર છે એમ કહી પેમેન્ટ માટે વાયદા પર વાયદા કર્યા હતા. જેથી આ કમિશન એજન્ટ ઉલ્લુ બનાવતો હોય તેવું લગતા સુરતનાં વેપારી જસ્વીન્દરસીંગે ગણેશ બોન્ઝા પ્લાસ્ટ કંપનીનો ડાયરેક્ટ સંર્પક કરતા કંપનીએ પેમેન્ટ જય માતાજી એન્ટરપ્રાઇઝ ફર્મમાં ટ્રાન્સફર કર્યાનું કહ્યું હતું. સુરતના કોલસાના વેપારી દ્વારા જસ્વીન્દરે પેમેન્ટ માટે તારાપુર રૂબરૂ આવું છું એમ કહેતા કમિશન એજેન્ટ બલબીરસીંગે ધમકી આપી હતી કે, જો પેમેન્ટની ઉઘરાણી માટે તારાપુરમાં પગ મુકશે તો ટાંટીયા તોડી નાંખીશ. જેથી ડરી જનાર જસ્વીન્દરસીંગે આ અંગે ઉમરા પોલીસ મથકમાં ઠગાઇની ફરિયાદ નોંધાવી હતી જેને પગલે ઉમરા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.

(12:20 pm IST)