ગુજરાત
News of Wednesday, 30th May 2018

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ઝડપાયેલ આતંકી અબ્દુલ સુભાન તૌકીર સામે કોર્ટમાં ચાર્જશીટ દાખલ

બોમ્બ બનાવનાર આતંકી મહંમદ આરીફ ઝુનેદને અમદાવાદ લાવવા ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરી

 

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ઝડપાયેલા આતંકી અબ્દુલ સુભાન તૌકીર સામે ક્રાઇમ બ્રાન્ચે મેટ્રોપોલિટન કોર્ટ 16માં ચાર્જશીટ દાખલ કરી છે પોલીસે કરેલી ચાર્જશીટમાં એક હજારથી વધુ પાનાના સાક્ષીઓના નિવેદન રજૂ કરાયા છે જ્યારે બોમ્બ બનાવનાર આતંકી મહંમદ આરીફ ઝુનેદને લાવવા પણ ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરી છે.આરોપીનું ક્રાઇમ બ્રાન્ચે ટ્રાન્સફર વોરંટ મેળવી લીધું છે અને આગામી દિવસોમાં આરીફને તપાસ માટે દિલ્હીથી અમદાવાદ લવાય તેવી શક્યતાઓ છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૬ જુલાઇ ૨૦૦૮ના રોજ અમદાવાદમાં જુદી જુદી જગ્યાએ બ્લાસ્ટ કરી 56 લોકની હત્યા કરવા તથા 200થી વધુ લોકોને ગંભીર ઇજા પહોંચાડવામાં આવી હતી. બ્લાસ્ટ કેસમાં ક્રાઇમ બ્રાન્ચના અધિકારીએ અબ્દુલ સુભાન તૌકીર સામે આઇપીસની કલમ 120 બી, 121, 124 , 302, 307, એક્સપ્લોજીવ એક્ટ, આઇટી એક્ટ, આર્મસ એક્ટ અને અનલોફુલ એક્ટિવીટી એક્ટની જુદી જુદી કલમો મુજબ ચાર્જશીટ રજૂ કરી છે.

પોલીસે એવો આરોપ મુક્યો છે કે, તૌકીર સહિતના આતંકીઓ સીમીના સભ્ય છે. તેમણે આતંકી કૃત્ય કરવા માટે ઇન્ડિયન મુજાહિદ્દીન નામ ધારણ કરી 9થી 12 ડિસેમ્બર 2007 સુધી કેરળના વાઘમોન તથા 13થી 15 જાન્યુ. 2008 સુધી પાવાગઢના જંગલોમાં આતંકી કેમ્પ યોજ્યો હતો. તેણે ત્યાં કોમની દુશ્મનાવટ ઉભી કરવા માટે અને સરકાર પ્રત્યે ધિક્કાર અને તિરસ્કારની લાગણી પેદા કરી ભાંગફોડની પ્રવૃત્તિ કરવા માટે ષડયંત્ર રચ્યું હતું.

(11:22 pm IST)