ગુજરાત
News of Wednesday, 30th May 2018

ગ્રાહકોને બાનમાં લઇ લેતી બેંકની હડતાળની ટિકા થઇ

ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ દ્વારા ટિકાઃ ગ્રાહકોને બાનમાં લેવાથી પક્ષોને ફેર નથી પડતો ઃ બેંકીંગ કર્મીઓએ પીએમ-મંત્રાલયો સમક્ષ દેખાવો કરવા જોઇએ

અમદાવાદ,તા. ૩૦: પગારવધારા સહિતની વિવિધ માંગણીઓને લઇ રાષ્ટ્રીયકૃત બેંકો સહિતની બેંકોની બે દિવસની હડતાળને લઇ અમદાવાદ, ગુજરાત સહિત દેશભરના કરોડો ગ્રાહકો બાનમાં મૂકાયા છે અને હાલાકીનો ભોગ બન્યા છે, તેને લઇ ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે બેંકીંગ ક્ષેત્રની આ હડતાળને વખોડી કાઢી છે. બેંકોના કર્મચારીઓ-અધિકારીઓના નિર્દોષ નાગરિકો-ગ્રાહકોને બાનમાં લઇ તેમને મુશ્કેલીમાં મૂકી તેના જોરે પોતાની માંગણીઓ સંતોષવાના વલણને આકરા શબ્દોમાં વખોડતાં સમિતિના પ્રમુખ મુકેશ પરીખે જણાવ્યું હતું કે, બેંકીંગ કર્મચારીઓ અને અધિકારીઓ તેમની માંગણી અને પ્રશ્નો માટે વડાપ્રધાન અને કેન્દ્રીય પ્રધાનોના ત્યાં દેખાવો કરે, સંબંધિત મંત્રાલય અને સંસદ સમક્ષ સત્યાગ્રહ કરી પોતાની માંગણી સંતોષવાનો પ્રયાસ કરે પરંતુ આ પ્રકારે સંગઠિત બેંક કર્મચારીઓ-અધિકારીઓ સંઘબળના જોરે પગારવધારાનો પોતાનો સ્વાર્થ સિધ્ધ કરવા માટે કરોડો અસંગઠિત ગ્રાહકોના ખભે બંદુક ચલાવી હીન પ્રયાસ કરે તે સખત ટીકાપાત્ર, નિંદનીય અને શરમજનક છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બેંક મેનેજમેન્ટ અને કર્મચારીઓ દ્વારા અપાતી ગ્રાહક સેવાઓ સંપુર્ણ કથળી ગઈ છે. ગ્રાહક સેવાઓના નામે મીંડુ છે. બેંક દ્વારા વિવિધ સેવાઓના ચાર્જીસ મનસ્વી રીતે બેફામ વધારી દેવામાં આવ્યા છે.  ગ્રાહકોની ફરીયાદો સાંભળવામાં આવતી નથી. ત્યાર ગ્રાહક સેવામાં સુધાર કરવાને બદલે બેંક કર્મચારીઓના એસોસીએશન દ્વારા બે દિવસની જે હડતાળ પાડવામાં આવી છે તે અયોગ્ય અને ગેરવાજબી છે કારણ કે, આ દેશના તમામ નિર્દોષ ગ્રાહકોને બાનમાં લેવાની અને તેઓની હાલાકીમાં મૂકવાની વાત છે. સમિતિના પ્રમુખ મુકેશ પરીખે વધુમાં ઉમેર્યું હતું કે, બેંકીંગ કર્મચારીઓ અને અધિકારીઓ તેમની માંગણી અને પ્રશ્નો માટે વડાપ્રધાન અને કેન્દ્રીય પ્રધાનોના ત્યાં દેખાવો કરે, સંબંધિત મંત્રાલય અને સંસદ સમક્ષ સત્યાગ્રહ કરી પોતાની માંગણી સંતોષવાનો પ્રયાસ કરે, પ્રધાનોના પુતળાઓનુ દહન કરે અને ૨૦૧૯ ની લોકસભાની આગામી ચુંટણીમાં દેશના ૧૦ લાખથી વધુ બેંક કર્મચારીઓ અને પરીવાર તેમજ મિત્રો નક્કી કરે તો ૧ કરોડથી વધુ મત સરકારને ના મળે. તેઓ  મત ના આપે. નોટાનો નો અમલ કરે. નોટાનો પ્રચાર, પ્રસાર કરે. પરંતુ ગ્રાહકોને  બાનમાં લઈ, ગ્રાહક સેવાઓ ખોરવી નાંખી, તેઓને હેરાન પરેશાન કરવા એ સર્વથા ગ્રાહક વિરોધી અને અનુચિત તેમજ અયોગ્ય પગલુ છે.

 બેંક હડતાળ પડે અને ગ્રાહકો હેરાન થાય તેનાથી સરકારને અને રાજકીય પક્ષોને કોઈ ફર્ક પડતો નથી. સરકારને બોધપાઠ ભણાવવા બેંક અને અન્ય કર્મચારીઓ સંઘબળના જોરે નોટાનો અમલ કરાવવો જોઇએ. બેંકોની બે દિવસીય રાષ્ટ્રીય વ્યાપી હડતાળને પગલે બે દિવસ સુધી દેશભરના કરોડો ગ્રાહકો બેંકમાંથી રોકડ રકમ ઉપાડી નહી શકે. કરોડો રૂપીયાના ચેકોનુ ક્લીયરીંગ નહી થાય. આ સંજોગોમાં બેંકની સેવામાં ખામી, બેજવાબદારી અને બેદરકારી સામે ફરીયાદી ગ્રાહકોના નિઃશુલ્ક કેસ લડવાની પણ તેમણે જાહેરાત કરી હતી અને તાકીદ કરી હતી કે, જે ગ્રાહકોને અને બેદરકારી સામે ફરીયાદી ગ્રાહકોના નિઃશુલ્ક કેસ લડવામાં આવશે. જે ગ્રાહકોને જરૂરિયાત હોવા છતા નાણાં ન મળ્યા હોય, કામ રઝળી પડ્યુ હોય તેઓએ બેંકની પાસબુકની તેમજ એટીએમ કાર્ડની ઝેરોક્ષ સાથે લેખિત ફરીયાદ અને સોગંદનામુ કરવાથી અમદાવાદ શહેર જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ગ્રાહક સુરક્ષા ધારા અન્વયે ફરિયાદ દાખલ કરી ન્યાય મેળવી શકે છે. સમિતિ આવા ગ્રાહકોને ન્યાય અપાવવામાં પૂરેપૂરો સાથ સહકાર આપશે.

(10:18 pm IST)