ગુજરાત
News of Wednesday, 30th May 2018

૧૨ તળાવોને ઉંડા કરતી વેળા હજારો મેટ્રિક ટન માટી કઢાઇઃ શહેરના ૧૨ તળાવોને વધુ ઉંડા કરી દેવાયા : હવે સુજલામ સુફલામ જળ સંચયના અભિયાન અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ તંત્રની પણ અસરકારક કામગીરી

અમદાવાદ,તા. ૩૦: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા રાજ્ય સરકારના સુજલામ્ સુફલામ્ જળ સંચય અભિયાન ર૦૧૮ હેઠળ ખારીકટ કેનાલની સફાઇ ઉપરાંત ૧ર તળાવને ઊંડાં કરવા અને ૬૪ તળાવની સફાઇનું અભિયાન હાથ ધરાયું છે. જેના અનુસંધાનમાં અમદાવાદ શહેરના ૧૨ જેટલા તળાવોને ઉંડા કરવાની ઝડપી કામગીરી હાથ ધરાઇ હતી અને તે દરમ્યાન આ તળાવોમાંથી કુલ ૩૧ હજાર મેટ્રિક ટનથી વધુ માટી કઢાઇ હોવાનો તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો હતો. સરકાર અને અમ્યુકો તંત્ર દ્વારા ઉપરોકત અભિયાન અંતર્ગત અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં ગત તા.૧ મેથી શહેરના ઉત્તર ઝોન, પૂર્વ ઝોન અને દક્ષિણ ઝોનમાંથી પસાર થતી ખારીકટ કેનાલમાંથી ૩ર,૦૦૦ મેટ્રિક ટનથી વધુ કચરો બહાર કઢાયો છે. દક્ષિણ ઝોનની ગોરના કૂવા પાસેની કેનાલ, ગેબનશા, રાજેન્દ્ર પાર્કથી એકસપ્રેસ હાઇવે અને વટવા સ્મશાન ગૃહથી રિંગ રોડના સ્થળ પરથી તંત્રે ૧પ,૦૦૦ મેટ્રિક ટનથી વધુ કચરો બહાર કાઢયો છે. ત્યારબાદ પૂર્વ ઝોના વિરાટનગર ચાર રસ્તા, નિકોલ, રાજેન્દ્ર પાર્ક, ઓઢવ અને રામોલથી ૯પ૦૦ મેટ્રિક ટનથી વધુ કચરો અને ઉત્તર ઝોનના નરોડા, આદિશ્વરનગર, રાજીવ પાર્ક, નરોડા સ્મશાનથી રિંગરોડ તરફ અને વિજય પાર્કથી સીતારામ ચોક પાસેથી ૮,૦૦૦ મેટ્રિક ટનથી વધુ કચરો બહાર કઢાયો હોવાનો તંત્ર દ્વારા દાવો કરાયો છે. બીજી તરફ ચોમાસામાં તળાવમાં વધુને વધુ પાણીનો સંગ્રહ થઇ શકે તેવા આશયથી ૧ર તળાવને તંત્ર દ્વારા ઊંડાં કરાઇ રહ્યાં છે. જે પૈૈકી નવા પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ છ તળાવને ઊંડાં કરવાની કામગીરી હાથ ધરાઇ છે. નવા પશ્ચિમ ઝોનના વસ્ત્રાપુર  તળાવ, પાંચા તળાવ, આરસી ટેકનિકલ તળાવ, ચાંદલોડિયા તળાવ, ભાડજ તળાવ અને ઓગણજ તળાવમાંથી ગકાલ સુધીમાં ૧૭,૦૦૦ મેટ્રિક ટનથી વધુ માટી, દક્ષિણ ઝોનના મહાલક્ષ્મી તળાવ અને આંબા તળાવમાંથી ૪,૦૦૦ મેટ્રિક ટનથી વધુ માટી, પશ્ચિમ ઝોનના કાળી ગામ તળાવમાં પ,૭પ૦ મેટ્રિક ટનથી વધુ માટી, ઉત્તર ઝોનના મુઠિયા ગામ તળાવમાંથી ૩,ર૦૦ મેટ્રિક ટનથી વધુ માટી અને પૂર્વ ઝોનના ઓઢવ તળાવ અને હાથીજણ તળાવમાંથી ૧,૬૦૦ મેટ્રિક ટનથી વધુ માટી બહાર કાઢીને આ તમામ ૧ર તળાવને વધુ ઊંડાં કરાયા હોવાનું સત્તાવાળાઓ જણાવી રહ્યા છે. આમ, શહેરના આ ૧૨ તળાવોને ઉંડા કરવા દરમ્યાન કુલ ૩૧ હજાર મેટ્રિકટનથી વધુ માટી બહાર કાઢી હોવાનો તંત્રએ દાવો કર્યો હતો. હજુ વધુ બે દિવસ તળાવોને ઉંડા કરવાની કામગીરી ચાલુ રહેશે. કારણ કે, ચોમાસુ હવે નજીકમાં ત્યારે તે પહેલાં મહત્તમ તળાવો ઉઁડા કરી તેમાં ચોમાસા દરમ્યાન વધુમાં વધુ જળસંગ્રહ થઇ શકે તેવું પ્લાનીંગ અમ્યુકો સત્તાવાળાઓ કરી રહ્યા છે.

(10:16 pm IST)