ગુજરાત
News of Wednesday, 30th May 2018

રાજ્યને પાણીદાર કરવાનો પુરુષાર્થ પારસમણિ બનશે

જળ સંચય અભિયાન દેશને રાહ ચિંધશે : ગુજરાતી જળ સંચયના ૧૬૬૧૬ કામોના લક્ષ્યાંકને પાર કરી ૧૧૦ ટકા સિદ્ધિ સાથે ૧૮૨૨૦ કામો કર્યા : જાડેજા

અમદાવાદ,તા.૩૦ : ગુજરાતને પાણીદાર બનાવી, પીવાના પાણીની સમસ્યાના કાયમી ઉકેલ દ્વારા દુષ્કાળને ભૂતકાળ બનાવવા ગુજરાત સ્થાપના દિન તા. ૧ મે ના રોજ ગુજરાતે સુજલામ સુફલામ જળ અભિયાન શરૂ કર્યું. જોતજોતામાં આખુ રાજ્ય આ અભિયાનમાં જોડાયું અને અભિયાન વિશાળ જનઅભિયાન બની ગયું. કાળઝાળ ગરમીના દિવસોમાં પણ આ શ્રમયજ્ઞમાં આહુતિ આફીને ગુજરાતીઓએ સિદ્ધ કરી બતાવ્યું કે, સંકલ્પ સિદ્ધિ એ ગુજરાતીઓનો સ્વભાવ છે રાજ્યના કૃષિ મંત્રી આરસી ફળદુ, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા અને સિંચાઈ-પાણી પુરવઠા રાજ્યમંત્રી પરબતભાઈ પટેલે સુજલામ સુફલામ જળ સંચય અભિયાનના સમાપન સંદર્ભે અભિયાનની અભૂતપૂર્વ સિદ્ધિને વર્ણવતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શન તળે જન પુરુષાર્થનું આ અભિયાન ગુજરાત માટે ખરા અર્થમાં વિકાસના પારસમણી સમું બની રહેશે. મંત્રીઓએ આ અંગે વધુ વિગતો આપતાં કહ્યું કે, ગુજરાતના કર્મઠ મુખ્યમંત્રી વિજય રૂપાણીના સીધા માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલું આ અભિયાન એક વિરાટ કાર્ય સમુ બની ગયું. લક્ષ્ય વિરાટ હતો. ગુજરાતભરના ૧૩ હજારથી વધુ તળાવો, જળાશયો અને ચેકડેમો ઉંડા કરવા અને ૧૧૦૦૦ લાખ ધનફૂટ વરસાદી પાણીના સંગ્રહમાં વધારો કરવો. ગુજરાતે પ્રચંડ જનશક્તિના બળે આ લક્ષ્યાંકથી પણ વધુ કામગીરી કરી બતાવી છે. તેઓએ ઉમેર્યું કે, આ અભિયાન દરમિયાન રાજ્ય સરકારના પાંચ વિભાગો નર્મદા અને જળ સંપત્તિ વિભાગ, પાણી પુરવઠા વિભાગ, ગ્રામ વિકાસ વિભાગ, શહેરી વિકાસ વિભાગ અને વન અને પર્યાવરણ વિભાગ દ્વારા સધન કામગીરી હાથ ધરાઈ. જેના કારણે તા. ૧લી મેના રોજ આ અભિયાનમાં ૪૫ હજાર શ્રમયોગીઓ જોડાયા હતા તે આંકડો તા. ૩૦મી મે સુધીમાં ૨ લાખ ૬૪ હજારે પહોંચ્યો. જે આ અભિયાનની અપ્રતિમ સફળતા દર્શાવે છે.

આ અભિયાનમાં ઉદ્યોગ ગૃહો, શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાનો, રાજ્ય સરકારના સાહસો અને સ્વૈચ્છિક સંસ્થાઓનો અભૂતપૂર્વ સહકાર મળ્યો. તા. ૧લી મેના રોજ ૪૨૮ જેટલી સંસ્થાઓ આ અભિયાનમાં જોડાઈ હતી જે ૩૦મી મે સુધીમાં ૨૩૮૦ જેટલી થઈ ગઈ. એ જ રીતે અભિયાન શરૂ થયુ ત્યારે જેસીબી, હીટાચી અને ડમ્પર કે ટ્રેક્ટર જેવા ૨૧૨૬ મશીન જોડાયા હતા. જે ૩૦મી મે સુધીમાં નવ ગણા વધીને ૧૮,૬૦૫ જેટલા થઈ ગયા. હાલ આ અભિયાનમાં રાજ્યભરમાં ૪૩૭૮ જેટલા જેસીબી અને હિટાચી જેવા મશીનો ઉપરાંત ૧૪ હજાર જેટલાં ટ્રેક્ટર, ડમ્પર અને અન્ય મશીનરી દ્વારા માટી ઉપાડવામાં આવી રહી છે. આ અભિયાનમાં ગુજરાતની જનતાનો જે સહયોગ મળ્યો તેના કારણ લક્ષ્યાંક કરતાં પણ વધુ સિદ્ધિ મળી છે તેની વિગતો આપતાં મંત્રીઓએ જણાવ્યું હતું કે, માસ્ટર પ્લાન મુજબ સમગ્ર ગુજરાતમાં ૧૬,૬૧૬ કામો કરવાના હતા. જે અંતર્ગત શરૂ થયેલા કામોની સંખ્યા ૧૮,૨૨૦ની થઈ છે. એટલે કે અંદાજે ૧૧૦ ટકા જેટલી સિદ્ધિ મળી છે. મંત્રીઓએ વધુમાં ઉમેર્યું હતું કે, જે કામો શરૂ કરાયા હતા તેમાં ૮૫૮૮ કામો પૂર્ણ કરાયા છે જ્યારે ૯૬૩૨ કામો પ્રગતિ હેઠળ છે. 

(8:08 pm IST)