ગુજરાત
News of Wednesday, 30th May 2018

ગુજરાત સહિત દેશભરમાં ૨૦ હજાર કરોડ કરતા વધુના જીએસટીનાં રિફંડ અટવાયાઃ વર્કીંગ કેપીટલમાં મુશ્કેલીનો સામનો કરતા વેપારીઓ

અમદાવાદઃ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્ના અમલને ૧૦ મહિના કરતા વધુ સમય વીતી ગયો છે. અગાઉ માર્ચ મહિનામાં વિલંબમાં પડેલ જીએસટી રિફંડ વેપારીઓને મળે તે માટે અભિયાન ચલાવાયું હતું તેમ છતાં હજુ પણ કેટલાક વેપારીઓ અને નિકાસકારોનાં રિફંડ અટવાયેલાં છે.

ગુજરાત સહિત દેશભરમાં એક અંદાજ મુજબ વેપારી અને િનકાસકારોના ૨૦ હજાર કરોડ કરતા વધુના જીએસટીનાં રિફંડ અટવાયેલાં છે અને તેના કારણે તેઓને વર્કિંગ કેપિટલની મુશ્કેલી અનુભવવી પડી રહી છે. એટલું જ નહીં નિકાસને પણ માઠી અસર પહોંચે તેવી શક્યતા જોવાઇ રહી છે.

ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશનના અધ્યક્ષના જણાવ્યા પ્રમાણે ડાયમંડ જ્વેલરી, ગાર્મેન્ટ, હેન્ડીક્રાફ્ટ સેક્ટરમાં એપ્રિલ મહિનામાં મોટો ઘટાડો નોંધાયો હતો અને તેના કારણે નવી નોકરીઓ ઉપર પણ અસર થઇ હતી.

તેઓએ વધુમાં જણાવ્યું કે આઇજીએસટી અને ઇનપુટ ટેક્સ ક્રેડિટના પગલે એક અંદાજ મુજબ ૨૦ કરોડથી વધુનાં રિફંડ અટવાયાં છે. એટલું જ નહીં ટેક્નિકલ ખામીઓના કારણે કેટલાય નિકાસકાર ઇનપુટ ટેક્સ ક્રેડિટના રિફંડના દાવા સરળતાથી કરી શક્યા નથી.

૩૧ માર્ચ સુધી સરળતાથી રિફંડ મળતું હતું, પરંતુ ત્યાર બાદ મુશ્કેલીઓ વધી છે. એક બાજુ સાત હજાર કરોડથી વધુના રિફંડ ઓર્ડર માર્ચ મહિનામાં પાસ કર્યા છે તો બીજી બાજુ એપ્રિલમાં તેમાં ઘટાડો નોંધાઇને માત્ર એક હજાર કરોડ રૂપિયાના જ જીએસટી રિફંડનું ચુકવણું કર્યું છે. તેના કારણે વેપારીઓની મુશ્કેલીમાં વધારો થયો છે.

(7:17 pm IST)